67 - આ કેશ કે – / મનોહર ત્રિવેદી


આ કેશ કે સાવનઘટા ?
નદીકિનારે છીપરમાં તડ્ય પાડી ફણગ્યાં તરણાં હો
નીરખી – નીરખી ઊછળતાં જાણે કે હરણાં હોં

પછી વાયરે મન મૂકી પાલવમાં ખોલી છટા

નજરું તૂટી જાય જોઈને કડ્યનો નમણો લાંક હો
જ્યાં તું થતી પસાર પંથને ફૂટે નવા વળાંક હો

બાઝેલાં ટીપાંમાં પૂર્યા ચહેરાઓ સામટા

રેતીમાં તેં વસ્ત્ર સૂકવ્યાં, ઘેર ગૂંથશે વાળ હો
ગામ ગૂંથશે ભાતીગળ ત્યાં ચોરેચૌટે આળ હો

દરેક ડેલી અને જાળિયાં થૈ જાશે અટપટાં
આ કેશ કે સાવનઘટા ?
*
સ્મરણ : વેણીભાઈ પુરોહિત
૦૧-૧૧-૨૦૦૮ / શનિ


0 comments


Leave comment