6 - કડવું ૬ ઠું - માયાથી જીવને સંસારબંધન / અખેગીતા (અખો)


રાગ ધન્યાશ્રી

એમ માયા વેષ નાના ધરેજી, કર્મ ધર્મના શબ્દ નાના ઓચરેજી;
જીવકેરા મનને અતિઘણું આવરે, તેણે પુરંજન ભવફેરા ફરેજી.

પૂર્વછાયા

ફ્રે ફેરા બહ ભવવિષે, વિષયનો તાણ્યો વહે;
પ્રત્યક્ષ ભોગ દેખે ભલા, વળી પંડિતને પોષતો રહે; ૧

કર્મનાં ફલ લખે માયા, વળી માયા બેઠી તે કથે;
શબ્દકેરે બાંધણે ભાઇ, બાંધી જીવ રાખે જથે. ૨

અંતરમાંથી મનરૂપેં, સકલ્પ-વિકલ્પ સુત જણે;
નિમેષમાંહે નવા નવા, જ્યમ ઇંદ્રજાળ-ગુટિકા ગણે. ૩

કર્મ-ફલ ને જીવ-કેરો, જોગ માયા મેળાવે;
વિષય-તૃષ્ણામાંહે મૂકી, એમ જંતુને ભેળવે. ૪

સ્વર્ગ-ભોગ દેખાડે, વળી બીક દેખાડે નર્કમી;
તે કામનાઓ લાગ્યો ફરે, ભાઇ ગતિ જેવી કૂપચક્રની. ૫

કામ ધામ ને ધન દારા, માત પિતા સુત બાંધવા;
વર્ણ વેષ ને રૂપ મુદ્રા, નમણ ઠમણ દેવ વંદવા. ૬

ચાક્ય ચાતુરી ચૌદ વિદ્યા, અવિદ્યા સર્વ સાધના;
પંડિત કવિને ગુણિ જાણ દાતા, સર્વ માયાકેરિ આરાધના. ૭

રમે રમાડે આપ માયા, નીચો ઊંચો લઇ ચડે;
જેમ મર્કટ હીંડે માગતો, પેલા ભિક્ષુક કેડે રડવડેં, ૮

એમ ભમે બહુ ભવ વિષે, પણ ભેદ કોયે લહે નહીં;
દોરિ સંચારો માંહિ માયાતણો, ભૂલવણ મોટી એ સહી. ૯

કહે અખો સહુકો સુણો, તમે જુઓ અંતરના તંતને;
એ જાળમાંહેથી તોજ નીસરો, જો સેવો હરિ-ગુરુસંતને. ૧૦

***
શબ્દાર્થ
૧. પુરંજન = જીવ
૨. સુત = પુત્ર
૩. કૂપચક્રની = રેંટની
૪. સાધના = એ સર્વ અજ્ઞાતની ઉપાસના છે.
૫. તંતને = તત્ત્વને


0 comments


Leave comment