70 - મૂક – બધિરોનું ગીત / મનોહર ત્રિવેદી


કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં ?
વાત એની સાંભળીને હોંકારા જેમ પેલાં પાંદડાંઓ લાગે હિલ્લોળતાં

ખળખળ વહીને કોઈ ઝરણાંઓ બોલે તો
ફૂલ નહીં રહેવાનાં ચૂપ
પાંખડીમાં જુદા-જુદા રંગ બીજું શું છે ?
છે વાણીનાં જુદાં જુદાં રૂપ

ફોરમનો આસપાસ એવો કલશોર કે બારણાં સૌ કૌતુકથી ખોલતા

ઊંચે આકાશમાં તારાની ટોળકી
છાનીછાની માંડે છે વાત
એવું શું એણે એકબીજાને કીધું કે
હસી ઊઠ્યા બત્રીશે દાંત ?

ઝાડવાં પણ સાંભળતાં હોય એમ લાગે છે અમથું કદી ન આમ ડોલતાં

આંગળીનાં ટેરવાંમાં મૂક્યો છે કંઠ
અમે આંખોમાં મૂક્યા છે કાન
ગમતું કૈં જોઈ-જોઈ હોઠ જરી મલકે તો,
એને કહેશો ન તમે ગાન ?

એમ જ આ બારસાખ ઓરડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં
કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં ?
*
અર્પણ : ‘દુનિયા અમારી’ના કવિ ભાનુપ્રસાદ પંડ્યાને
૧૭-૧૨-૨૦૦૯ / ગુરુ


0 comments


Leave comment