74 - તેં પૂછ્યું / મનોહર ત્રિવેદી


તેં પૂછ્યું : શું ચાલે છે ? : મેં કીધું : ગામગપાટા રે
હું છું નવરોધૂપ તે ઝીલું નભનીતરતા છાંટાં રે

ઘરમાં પોતાને ભીડી કાં કરીએ જૂઠો વટ્ટ ?
ઊઘડીએ તો જીવ-લગોલગ પૂગે છે વાછટ

એક તણખલું વહી અચાનક બની જાય છે હોડી –
કીડીને જ્યારે હળવેથી કાંઠા પર દે છોડી

હુંય નદીની જેમ સહુના તાણી જઉં સન્નાટા રે

પડખે બેઠેલા જણમાં હું કરું છું ખાંખાખોળા :
પ્હો ફૂટે એવા ચહેરામાં કેમ સાંજના ઓળા ?

કહું : આંસુને, આવ નિતારી દે તું ભેરું, ખભ્ભે
ને પીડાના ડાઘડૂઘ લૂછી લે મારે ઝભ્ભે

પવનઝૂલતાં ફૂલને પજવે કદી ન એના કાંટા રે
તે પૂછ્યું : શું ચાલે છે ? : મેં કીધું : ગામગપાટા રે
*
૨૩-૦૯-૨૦૦૮ / મંગળ


0 comments


Leave comment