76 - છોકરાવે કાંઠે જઈ પૂછ્યું / મનોહર ત્રિવેદી


છોકરાવે કાંઠે જઈ પૂછ્યું કે નદીબાઈ, આમ તમે કેણીપા હાલ્યાં ?
ડુંગરેથી કોતરેથી દોટ એવી મેલી કે કોઈથી ઝલાવ નહીં ઝાલ્યાં !

શેઢે જુઓને, એકબીજાંને ખેતર સૌ
પૂછે છે પામી નવાઈ :
એવો તે કેવો આ નેડો લાગ્યો કે
એણે તરછોડી લીલી વનરાઈ ?

છાકટાં થયાં છો તમે પાણીને જોઈ અરે, આટલાં શું ફૂલ્યાં ને ફાલ્યાં ?

કો’કે તો એમ કીધું : આઘેના દરિયાની
પાછળ છો ગળાડૂબ પ્રેમમાં
એણે તો નદીબાઈ, કૈંકને ફસાવ્યા છે
રહેજો ના નાહકનાં વહેમમાં

નદીએ કહ્યું કે અલ્યા, મૂછ જરી ફૂટવા દો : ના વળશો કોઈથીયે વાળ્યા
છોકરાવે કાંઠે જઈ પૂછ્યું કે નદીબાઈ, આમ તમે કેણીપા હાલ્યાં ?
*
૦૩-૧૦-૨૦૦૮ / શુક્ર


0 comments


Leave comment