78 - ચહો, મિત્ર ! જો ચહો / મનોહર ત્રિવેદી


ચહો, મિત્ર ! જો ચહો
આ સ્થળ છે પોતાનું જાણી ગમે તો અહીંયાં રહો

સૌને પોતાની મરજી છે, પોતીકા છે પગ
હોય ટેરવાંમાં વિસ્મય તો સરજે નોખું જગ

છાતી છે, ધબકે છે, તો મૂંઝારો પણ ન હો ?

અને ઉઘાડી દશે દિશામાં પવન મારતો ખેપ
સાંજ થતાં તડકાની પીઠે કરે સુખડનો લેપ

પ્હાડ વીંધતી જતી નદી ત્યાં : તમેય એવું વહો

કેડી છે, પણ આ કેડીને હોય કદી ના થાક
ઠેકાણે-ઠેકાણે પૂર્યા ચપટીભરી વળાંક

બીજું શું છે નમણાઈમાં એય જરી જો કહો !
આ સ્થળ છે પોતાનું જાણી ગમે તો અહીંયાં રહો.
*

૧૭-૧૦-૨૦૦૮ / શુક્ર0 comments


Leave comment