80 - પ્રોષિતભર્તૃકાનું ગીત / મનોહર ત્રિવેદી


બોલને, વાલામૂઈ !
ચૂપ ભલે તું હોય : કહેવાની આંખ બે ડબાક્ ચૂઈ

નજરું શાથી ધૂળમાં ઢળી ?
દાંતથી ચાવે નખ !
ઊડવું ભૂલી ખડની સળી,
એવડાં તે શાં દખ ?

સ્હેજ હસે તો મ્હેકશે તારા હોઠની નાજુક જૂઈ

કૈંકને મેંદી મૂકતાં તું
ગહેકાવતી ઝીણા મોર
પાન આળેખી ગૂંથવા જતાં
જોઉં તો નર્યા થોર

અંગના મરોડ છીનવી ગયું કોણ તારા જાદુઈ ?
*

૧૨-૧૨-૨૦૦૮ / શુક્ર


0 comments


Leave comment