85 - એવું બાળક જોઈ / મનોહર ત્રિવેદી


૮૫. એવું બાળક જોઈ / મનોહર ત્રિવેદી

‘સાંજ ને સવાર નહીં વ્હેશે કલશોર અને માળા વિનાની હશે ડાળ’
ફળિયાના ઝાડવાને આટલું જ કહેશો ત્યાં મૂળ લગી લંબાશે ફાળ

જંગલને જંગલ કહેવાય કેમ વચ્ચોવચ્ચ રમતિયાળ ઝરણું ના એક
હરણાંની સાથે જ્યાં લીલીછમ ટેકરીઓ ભરતી ના હોય કદી ઠેક !

એમ જ આ શેરીને શેરી કોણ કહેશે જો ડોશીમા માંડે ના વારતા,
ટાબરિયાં વિનાનું ગામ તમે માનજો જ્યાં ભાભો મૂઠી ન બોર લાવતા.

અમથાં તો વેઠી શકાય કઈ રીતે આ છાપરાનાં ભાર અને ભીંસ,
ભીંતો પણ જીવે છે વરસોથી જોઈજોઈ બચપણની ભોળકુડી રીસ.

આઠે તે પહોર જેનાં ઓરડાને ઓશરી કે બારણાંઓ રહેતાં હો મૂક,
એ રે ખડકીની શીદ સાંકળ ખખડાવીએ જ્યાં કાને પડતું ના ‘હાઉક !’

પશુઓને કાજ મૂકે જળનું એક કૂંડું ને પંખીની ઝુલાવે ઠીબ :
એવું બાળક જોઈ જાણજો કે આપણા ઘરનાં ખૂલ્યાં છે નસીબ.

પારિજાત મોગરો ગુલાબ મધુમાલતીનાં મૂલ કોઈ રૂપિયાથી માંડે,
ધોમધખ્યા બપ્પોરે છાંયડો તજીને એનું આંગણું તો ચકલી પણ છાંડે.
*

અર્પણ
‘બાલહિંસા નિવારણ’ના પ્રખર પ્રવક્તા (ડીઆઈજી) શ્રી હસમુખ પટેલને...
૨૬-૦૬-૨૦૧૦ / શનિ


0 comments


Leave comment