87 - આપણા તો ઠેરઠેર ભેરુ / મનોહર ત્રિવેદી


ભાઈ, આપણા તો ઠેરઠેર ભેરુ હો જી
આમ મળે ખીણ જેવા ઊંડા – અગાધ અને આમ મળે ઊંચેરા મેરુ હો જી

જિદ્દી રિસાળ ડાંડ ખરબચડા હુંફાળા કોઈ વળી બોલે ના ‘આવ’
સૂરજની જેમ પ્હેલા આકરા તપીને પછી હોઠ સામે મૂકે તળાવ

આપીને ભર્યાભર્યા થાય એના ગજવામાં મારો યે ભાગ હું ઉમેરું હો જી

રાતનું એકાન્ત મને પજવે ના એટલે તો આંગણામાં ઊતરતું આભ
હસીહસી તારાઓ માંડે છે ગોઠડી : ક્યાં ઓછો છે કહેશો આ લાભ ?

અંધારાં આરપાર વાયરાઓ ચીંધે છે પુષ્પોની મ્હેકના પગેરુ હો જી

કાળા ડિબાંગ કોઈ દેહમાંથી ટપકે છે ખેતરનો પાવન પ્રસ્વેદ
એની અડબાઉ એવી વાણીમાં ઉકેલું જીવતરનો સચાકલો ભેદ

માણસમાં ગુરુદ્વારા દેવળ મસ્જિદ જોઉં, માણસમાં ઊઘડતું દેરું હો જી
ભાઈ, આપણા તો ઠેરઠેર ભેરુ હો જી.
*

૨૨-૦૬-૨૦૧૦ / મંગળ


0 comments


Leave comment