88 - જુવાનિયા સાથેનું એક વાર્તિક / મનોહર ત્રિવેદી


સાંજે જુવાનિયાવે કીધું કે : હાલો ! :
: આ હાલ્યા ! :

ઇ બોલ્યા : ક્યાં જાહું ? : મેં કીધું : પગને ક્યો મન ફાવે ત્યાં ઇ લૈ જાહે
હળવા થૈ વાતુંના મારશું તડાકા ને વ્હેવાનું મોકળા થૈ વાંહે :

: મારગ જો ઝાલશે તો ? : કે’વાનું : ઊભા છૈં, ઊભાને તેં જ એલા, ઝાલ્યા ?

એક કહે : ઠાવકું આ હાલવાનું ગુંજેથી કાઢવાનું ક્યાંય નહીં નાણું :
બીજો કે’ : ટેમ જાય એટલે એ ભાયબંધ, ગૂંચભર્યું મૂકો ઉખાણું :

: છાપરે ના એકાદું નળિયું છતાંય... પૂછું ?... ખોરડાંઓ કેણે આ ચાળ્યાં ? :

: હાલોને, આથમણે અંધારાં ઊતર્યા... ને તમને છે આંખ્યુંમાં ઝાંખ :
મેં કીધું : ના રે ના... હમણેથી અમને તો તાજીતાજી ફૂટી છે પાંખ

અંકાશે વિષ્ણુજી પૂછશે ગરુડને કે : આપણને આણે ક્યાં વાળ્યાં ?

સાંજે જુવાનિયાવે કીધું કે : હાલો ! :
: આ હાલ્યા... :
*

૦૬-૦૭-૨૦૧૦ / મંગળ


0 comments


Leave comment