98 - હંમેશ મુજબ / મનોહર ત્રિવેદી


દાંતણ
તાંબાનો લોટો અને
આસન
ઓશરીની કોરે મુકાઈ જાય છે
હંમેશ મુજબ
હંમેશ મુજબ
ચાનો કપ, સોપારી-સૂડીની પેટી
બાથરૂમમાં ગરમ પાણી ને ટુવાલ
તાજાં ફૂલો
અગરબત્તી ને દીવો
વાંચવાના ટેબલ પર
અખબાર રોજની જેમ
ગોઠવાયેલું

ચશ્માં પણ આઘાંપાછાં નહીં
આંખ સામે જ

રુચિ અનુસાર બપોરનું ભોજન
વસ્ત્રો : સુઘડ ને અસ્ત્રી કરેલાં

ઘડિયાળના કાંટાની સાથે ચાલે
ઑફિસ અને બજારની ખરીદી

સાંજે
મારો ઘરમાં
ને ઘરનો મારામાં
પ્રવેશ

બાળકોનાં
કોલાહલ રીડિયારમણ રુસણાં
વાળું
ટીવીના સમાચાર-સિરિયલનો દોર
દોર :
પરિવારના સભ્યો સાથે
વ્યાવહારિક અડચણો
ગૂંચવણો અને એના ઉકેલની ચર્ચાઓનો

બે – એક કલાકનું વાચન
ટેવવશ
એ જ
ચોખ્ખીચણાક પથારી ચાદર મચ્છરદાની –

ન કચવાટ
ન કચાશ
ન બેફિકરાઈ
બધ્ધું બધ્ધું જ
રાબેતાભેર.

તેમ છતાં
કેમ લાગ્યા કરે છે
કશુંક અડવું
અતડું ને ઊભડક ?

હંમેશ મુજબ
આ દરેક અસબાબ
પર

ફરીફરીને ફરી વળતી
ક્યાં છે તારી આંખ ?
*

૧૬-૦૨-૨૦૦૨ / શનિ0 comments


Leave comment