99 - ગ્રીષ્મબપ્પોર / મનોહર ત્રિવેદી


અબોલ ઊભી સીમમાં તડકે ભર્યું તળાવ
એક અટૂલા પંખીને કહી શક્યું ના : આવ ! :

વાડ્યે-વાડ્યે નીરખું નોંધારા કૈં થોર
તડકા તરુની છાંયમાં ભોંકે તીણા ન્હોર

હરણાની છાતીમહીં છલાંગ ભરતું રાન
પડછાયા સાથે જુઓ ડાળે હાંફે પાન

કીચડલીંપ્યા દેહ પર ઊંઘે ભગરી ભેંશ
તડકા મૂંઝાઈ મરે થૈને કાળામેશ

સૂની – સૂની કેડીયું મૂંગી ને વ્યાકુળ
હડી કાઢતી ઘૂમતી પગબારણામાં ધૂળ

ને વાડીના છાપરે ખરા બપોરે કાગ
સૂરજ સામે છેડતો ભીમપલાસી રાગ

ખેડૂ ઝાંપે નીરખે ભથવારી ને ભાત
લ્હેર સમી ઊઘડી ગઈ તડકે માઝમ રાત
*

૦૯-૦૫-૨૦૦૨ / ગુરુ


0 comments


Leave comment