105 - આંસુ (મોનોઇમેજ) / મનોહર ત્રિવેદી


આંસુ નથી સચવાતાં
તો અન્યને શી રીતે
સાચવીશ ?
*

આંખો અંધ હોય,
આંસુ નહીં,
એનો મારગ એને
આપમળે મળી જાય છે
*

જેના છાપરાનું છિદ્ર
ચૂવે
તે દરિદ્ર...
આંસુ ચૂવે ત્યારે ?
*

આંસુ :
સૃષ્ટિનું
આદિ આશ્ચર્યવિરામ !
*

માછલીની આંખમાંથી
સરતાં આંસુની
જાણ સમુદ્રને ન હોય
તો કોને હોય ?
*

આંસુ લુછાય
કારણ ન પુછાય
*

આંસુ છે
જાળ પણ
આળ પણ
એમાંથી છૂટવું સરળ નથી
*

ખરખરો :
રક્તદાનશિબિર
જેવો જ અશ્રુદાનશિબિર
*

૧૬-૧૨-૨૦૦૮ / મંગળ



0 comments


Leave comment