8.6 - ગગનનો ગરબો / અરદેશર ખબરદાર


(ઢાળ : સોનાવાટકડી રે જે કુંકુમ ઘોળ્યાં, વાલમિયા)

ગગનનો ગરબો રે કે કોણે કોર્યો, સાહેલડી ?
જ્યોતિને ઝબકે રે કે ફૂલડે ફોર્યો, સાહેલડી ? ૧

એવાં વિરાટ શાં રે કે આંગણ આંક્યા, સાહેલડી ?
કોનાં એ કામણ રે કે જોઈ જોઈ થાક્યાં, સાહેલડી ? ૨

ઊંડા આવાસમાં રે કે માજી રહેતાં, સાહેલડી,
રાસે કંઇ રમવા રે કે મન થયાં વહેતાં, સાહેલડી ! ૩

ઊંચી અટારીથી રે કે માજી ઊતર્યાં, સાહેલડી,
ગરબો ઘૂમાવતાં રે કે અમીરસભર્યાં, સાહેલડી ! ૪

ઘૂમરીની ઘેરમાં રે કે માજી તો ફર્યાં, સાહેલડી,
ડગલે ને પગલે રે કે સર્જન સર્યાં, સાહેલડી ! ૫

માજીને મુખથી રે કે દેવગંગા રેલી, સાહેલડી,
માધુરી સૂરની રે કે એવી રહી ખેલી, સાહેલડી ! ૬

માજીના બોલથી રે કે આભા આભ ઊઘડ્યાં, સાહેલડી !
ઘાડા અંધારનાં રે કે પડ પડ ઊપડ્યાં, સાહેલડી ! ૭

માજીની સોડથી રે કે સર્યું આભપાનું, સાહેલડી,
ઓજભરી આંખથી રે કે ઝર્યા કોટિ ભાનુ, સાહેલડી ! ૮

માજીની તાળીએ રે કે સૂર્ય ચંદ્ર થાપ્યા, સાહેલડી,
અણઠર્યા ઘૂમતા રે કે ગરબે વ્યાપા, સાહેલડી ! ૯

માજીને પાવલે રે કે ફાલ કંઇ ફૂટ્યા, સાહેલડી ,
કંકણ ખંખેરતાં રે કે ધૂમકેતુ છૂટ્યા, સાહેલડી ! ૧૦

માજીને ચાંદલે રે કે દિશદિશ ઝબકે, સાહેલડી ,
ઝાંઝરને ઝમકે રે કે કુંકુમ ટપકે, સાહેલડી ! ૧૧

માજીની ઓઢણી રે કે ઘેરી ભૂરી, સાહેલડી,
અકલા કલા રે કે ઊડે રસપૂરી, સાહેલડી ! ૧૨

ઊંડા ઊંડાણમાં રે કે સોણલે હાલ્યો, સાહેલડી !
માજીના શબ્દથી રે કે કાળ ઊઠી ચાલ્યો, સાહેલડી ! ૧૩

ખાલી પોલાણમાં રે કે ચેતન જાગ્યાં, સાહેલડી,
અંધારાં સળક્યાં રે કે મૉરવા લાગ્યાં, સાહેલડી ! ૧૪

સૂતેલાં સત્યો રે કે જાગતાં ઝગારે, સાહેલડી,
સરકેલો દોરલો રે કે ફરી કર ધારે, સાહેલડી ! ૧૫

માજીને એકલાં રે કે ગાવા ન ભાવ્યાં, સાહેલડી,
દેવો ને દેવીઓ રે કે સાથમાં બોલાવ્યાં, સાહેલડી ! ૧૬

માજીને ગીતડે રે કે સૂરજ ડોલ્યા, સાહેલડી,
અગ્નિ ને અમીમાં રે કે ગ્રહો ઝબકોળ્યા, સાહેલડી ! ૧૭

માજીને ગરબે રે કે કામણ ન્યારાં, સાહેલડી;
ગોળ ગોળ ફરતાં રે કે તેજ ને અંધારાં, સાહેલડી ! ૧૮

ગરબાના ગોફમાં રે કે તત્ત્વ સૌ ગૂંથાયાં સાહેલડી,
આંસુ ને હાસ્યનાં રે કે બંધને બંધાયાં, સાહેલડી ! ૧૯

નિદ્રાની વચ્ચે રે કે જીવન જાગે, સાહેલડી,
રજનીની વચ્ચે રે કે દિન ઊગ્યો લાગે, સાહેલડી ! ૨૦

અંતર અંગારા રે કે ફૂલડાં કપોલે, સાહેલડી;
શેરનાં છે ખેલવાં રે કે માજીને મહોલે, સાહેલડી ! ૨૧

આવજો, આવજો રે કે ગરબે ઘૂમવા, સાહેલડી !
માજીને આંગણે રે કે રંગભર રમવા, સાહેલડી ! ૨૨

માજીને પગલે રે કે પગલાં ઠમકો, સાહેલડી !
માજીના સૂરમાં રે કે સૂર પૂરી ઝમકો, સાહેલડી ! ૨૩

માજીની તાળીએ રે કે તાળી દેજો, સાહેલડી !
ગરબે એ ઘૂમતાં રે લહાવ અદ્દલ લેજો, સાહેલડી ! ૨૪

ગગનનો ગરબો રે કે આવજો ગાવા, સાહેલડી !
માજીના સાથમાં રે કે ઝીલવા ઝુલાવા, સાહેલડી ! ૨૫


0 comments


Leave comment