110 - સ્રોત / મનોહર ત્રિવેદી
તારો એ લગાવ
પહેલ્લેથી
કિશોર-કિશોરીઓનાં ઝુંડ સાથે
હળવાનો – મળવાનો – ભળવાનો
બની જાય તું યે ત્યારે
હરિણી–શી મુગ્ધા
પરિણીતા
તોય નહીં કદી અવરુદ્ધા
તારે મન
સૌ બાળક
ઉલ્લાસ-ઉમંગ તથા શ્વાસનાં પણ ચાલક
શું શાળાનાં શેરીનાં કે ભિખારીનાં :
નહીં કશો ભેદ
પરાયાપણાનો સખી, ઉડાડ્યો તેં છેદ
ખૂંચ્યા કરે આજે મને
તારો આ અભાવ
ક્યાંથી લાવું કૂણોકૂણો રેશમી સ્વભાવ ?
કુતૂહલે ભરી આંખો આરેવારે પૂછે :
કહો, કે’ દી’ આવવાનાં
સમાચાર શું છે ?
તારી વાતો કરી કરી
હસાવી-હસાવી એનાં જીતી લીધાં ચિત્ત
ક્ષણેક્ષણ માણવાની જડી રૂડી રીત
જેણે-જેણે ઝીલ્યો હશે
તારો મૂંગો બોધ
એમને જ હૈયે ચડી એક શુભ શોધ :
ગંદી શેરી ગંદું નાકું ગંદી છે બજાર
ગમે નહીં માટે ભેરુ, હો જાઓ તૈયાર
ભાભીને તો આ ના ગમે, તે ના ગમે, ભાઈ
ખોબોચિયાં પૂરીશું ને કરીશું સફાઈ
સૌ આવ્યા વણનોતર્યા
ઉમેરાયા એક પછી એક
રે કોણે કામે જોતર્યા !
રામ જાણે !
કશું ના પરાણે
હવા જેવી હળવાશ
હાસ અને ઉપહાસ
તું કહેતી એમ,
આ ‘આળસુ – યોગી’ ને યે લાગી ગયો
શ્રમનો જો ચેપ
માટી નહીં માટી, આ તો ચંદનનો લેપ
આપણા વાડાનાં વ્હાલાં
વૃક્ષ અને વેલીઓએ ખેરવેલાં
પાંદડાંને, ડાંખળાંને ભેળાં કર્યાં
કોદાળી ને પાવડાથી
ગતિ મળી બાવડાંથી
થતું ગયું ગોડકામ
પોરો ખાતાં
પૂછી લીધાં નામઠામ.
દૂરતાની ડમરી તો ચડી ઊંચે આભ,
કોઈ ના વિચારે, અહીં કોને કેવો લાભ !
અરુપરુ
મેલખાયાં વાદળાં-શું
આંગણુંયે
થયું સાફસૂથરું
પાતાં-પાતાં પાણી
ઉચ્ચારતી તું એ
અભણ ને ભોળાં કને મૃદુ વેદવાણી :
‘યજ્ઞ વિના ખાનારાઓ પાપનું જ ખાય’
- એ બધાંને આવુંતેવું કશું સમજાય ?
રોમાંચિત કરે એને તારો ઋજુ સ્પર્શ,
અન્યથા ન આવે કદી શ્રમ કાજે હર્ષ.
અમારું આ યજ્ઞકાર્ય
સ્ફુર્તિ સાથે પૂરું થયું....
રસોડું ઉઘાડી એમાં ખાંખાખોળા કીધા
ડબ્બા અને ડબરા
કબાટ ને ફ્રિજ –
સુખડીનાં દસબાર બટકાં ઉઠાવી લીધા.
બંધ થતી ખડકીમાં
હરખ ઉઘાડો મેલી
થયા સૌ વિદાય.
: વાળુ પછી અમે પાછા આવી જશું, ભાય ! :
અરે-અરે
નાની-નાની કાબરનું ટોળું ક્યાંથી
આવ્યું એકાએક
કલબલ કલબલ ફેલાવતી મ્હેક
સમાર્યું ને વઘાર્યું લ્યો, લસણથી શાક
તાવડી પે ભાખરીઓ ચડી વળી ઊતરી
વચ્ચે-વચ્ચે ટહુકતી ઝાંઝરીની ઘૂઘરી
ક્યાંક વળી બુઝારાનો બંગડીનો રણકો રે
ક્યાંક વળી છણકો રે.
વાસણ મંજાયાં – લૂછ્યાં ચડ્યાં અભેરાઈ
ઓરડામાં સંજવારી, પાણીપોતાં
ચીજવસ્તુ ઝળહળ અરીસે ઝિલાઈ
સેટી પરે ઓછાડ ને
ઓશીકાંનાં ચડી ગયાં ગ્લેફ
સાંજે ઢળે
તેમતેમ વધ્યે જાય કેફ
ને આછોતરો છણકો :
ચાલો રમો, અડકો અને દડકો
મૂકો છાપાં, મૂકો ગ્રંથ ડાયરી ને પેન
રમો ચાલો, એનઘેન અને દીવાઘેન
ભણતર પેલ્લા ને પછી વારતા
છોડીશું નહીં જ, ભલે ભાભો ઢોર ચારતા....
મેં કહ્યું કે, ભલે....
અને તેમ કર્યું
થયું મને :
વારતા કે’તા તો ભાય, ફાવે છે ને, શું ?
તારી કને ક્યારે કહે, શીખ્યો હતો હું ?
ઓસરી ગૈ ભીડ
ઊડી ગઈ ચકલીઓ જ્યાં-જ્યાં નિજ-નીડ
મોડેમોડે
વાળુ પછી
વળી પાછું
છોકરાનું વાવાઝોડું અગાસીમાં આવી ચડ્યું
આંખોને ત્યાં આભ જડ્યું.
ધ્રુવશુક્રસપ્તર્ષિની આપીને ઓળખ સાથે
કર્યા શેકહૅન્ડ
કુતૂહલે ભરીભરી મૈત્રી ત્યાં રચાઈ
કહ્યું ચાલો, બા...ય
કરીએ ધી ઍન્ડ
આવું આવું
ઘણું બધું....
તું જ કહે
ગોતું ક્યાંથી બીજો કોઈ સ્રોત ?
અન્ય કઈ રીતે તું યે મારી સામે હોત !
*
૨૮-૦૮-૨૦૦૩ / શુક્ર
પહેલ્લેથી
કિશોર-કિશોરીઓનાં ઝુંડ સાથે
હળવાનો – મળવાનો – ભળવાનો
બની જાય તું યે ત્યારે
હરિણી–શી મુગ્ધા
પરિણીતા
તોય નહીં કદી અવરુદ્ધા
તારે મન
સૌ બાળક
ઉલ્લાસ-ઉમંગ તથા શ્વાસનાં પણ ચાલક
શું શાળાનાં શેરીનાં કે ભિખારીનાં :
નહીં કશો ભેદ
પરાયાપણાનો સખી, ઉડાડ્યો તેં છેદ
ખૂંચ્યા કરે આજે મને
તારો આ અભાવ
ક્યાંથી લાવું કૂણોકૂણો રેશમી સ્વભાવ ?
કુતૂહલે ભરી આંખો આરેવારે પૂછે :
કહો, કે’ દી’ આવવાનાં
સમાચાર શું છે ?
તારી વાતો કરી કરી
હસાવી-હસાવી એનાં જીતી લીધાં ચિત્ત
ક્ષણેક્ષણ માણવાની જડી રૂડી રીત
જેણે-જેણે ઝીલ્યો હશે
તારો મૂંગો બોધ
એમને જ હૈયે ચડી એક શુભ શોધ :
ગંદી શેરી ગંદું નાકું ગંદી છે બજાર
ગમે નહીં માટે ભેરુ, હો જાઓ તૈયાર
ભાભીને તો આ ના ગમે, તે ના ગમે, ભાઈ
ખોબોચિયાં પૂરીશું ને કરીશું સફાઈ
સૌ આવ્યા વણનોતર્યા
ઉમેરાયા એક પછી એક
રે કોણે કામે જોતર્યા !
રામ જાણે !
કશું ના પરાણે
હવા જેવી હળવાશ
હાસ અને ઉપહાસ
તું કહેતી એમ,
આ ‘આળસુ – યોગી’ ને યે લાગી ગયો
શ્રમનો જો ચેપ
માટી નહીં માટી, આ તો ચંદનનો લેપ
આપણા વાડાનાં વ્હાલાં
વૃક્ષ અને વેલીઓએ ખેરવેલાં
પાંદડાંને, ડાંખળાંને ભેળાં કર્યાં
કોદાળી ને પાવડાથી
ગતિ મળી બાવડાંથી
થતું ગયું ગોડકામ
પોરો ખાતાં
પૂછી લીધાં નામઠામ.
દૂરતાની ડમરી તો ચડી ઊંચે આભ,
કોઈ ના વિચારે, અહીં કોને કેવો લાભ !
અરુપરુ
મેલખાયાં વાદળાં-શું
આંગણુંયે
થયું સાફસૂથરું
પાતાં-પાતાં પાણી
ઉચ્ચારતી તું એ
અભણ ને ભોળાં કને મૃદુ વેદવાણી :
‘યજ્ઞ વિના ખાનારાઓ પાપનું જ ખાય’
- એ બધાંને આવુંતેવું કશું સમજાય ?
રોમાંચિત કરે એને તારો ઋજુ સ્પર્શ,
અન્યથા ન આવે કદી શ્રમ કાજે હર્ષ.
અમારું આ યજ્ઞકાર્ય
સ્ફુર્તિ સાથે પૂરું થયું....
રસોડું ઉઘાડી એમાં ખાંખાખોળા કીધા
ડબ્બા અને ડબરા
કબાટ ને ફ્રિજ –
સુખડીનાં દસબાર બટકાં ઉઠાવી લીધા.
બંધ થતી ખડકીમાં
હરખ ઉઘાડો મેલી
થયા સૌ વિદાય.
: વાળુ પછી અમે પાછા આવી જશું, ભાય ! :
અરે-અરે
નાની-નાની કાબરનું ટોળું ક્યાંથી
આવ્યું એકાએક
કલબલ કલબલ ફેલાવતી મ્હેક
સમાર્યું ને વઘાર્યું લ્યો, લસણથી શાક
તાવડી પે ભાખરીઓ ચડી વળી ઊતરી
વચ્ચે-વચ્ચે ટહુકતી ઝાંઝરીની ઘૂઘરી
ક્યાંક વળી બુઝારાનો બંગડીનો રણકો રે
ક્યાંક વળી છણકો રે.
વાસણ મંજાયાં – લૂછ્યાં ચડ્યાં અભેરાઈ
ઓરડામાં સંજવારી, પાણીપોતાં
ચીજવસ્તુ ઝળહળ અરીસે ઝિલાઈ
સેટી પરે ઓછાડ ને
ઓશીકાંનાં ચડી ગયાં ગ્લેફ
સાંજે ઢળે
તેમતેમ વધ્યે જાય કેફ
ને આછોતરો છણકો :
ચાલો રમો, અડકો અને દડકો
મૂકો છાપાં, મૂકો ગ્રંથ ડાયરી ને પેન
રમો ચાલો, એનઘેન અને દીવાઘેન
ભણતર પેલ્લા ને પછી વારતા
છોડીશું નહીં જ, ભલે ભાભો ઢોર ચારતા....
મેં કહ્યું કે, ભલે....
અને તેમ કર્યું
થયું મને :
વારતા કે’તા તો ભાય, ફાવે છે ને, શું ?
તારી કને ક્યારે કહે, શીખ્યો હતો હું ?
ઓસરી ગૈ ભીડ
ઊડી ગઈ ચકલીઓ જ્યાં-જ્યાં નિજ-નીડ
મોડેમોડે
વાળુ પછી
વળી પાછું
છોકરાનું વાવાઝોડું અગાસીમાં આવી ચડ્યું
આંખોને ત્યાં આભ જડ્યું.
ધ્રુવશુક્રસપ્તર્ષિની આપીને ઓળખ સાથે
કર્યા શેકહૅન્ડ
કુતૂહલે ભરીભરી મૈત્રી ત્યાં રચાઈ
કહ્યું ચાલો, બા...ય
કરીએ ધી ઍન્ડ
આવું આવું
ઘણું બધું....
તું જ કહે
ગોતું ક્યાંથી બીજો કોઈ સ્રોત ?
અન્ય કઈ રીતે તું યે મારી સામે હોત !
*
૨૮-૦૮-૨૦૦૩ / શુક્ર
0 comments
Leave comment