112 - હર્ષદ ચંદારાણા / મનોહર ત્રિવેદી


આંખે ચશ્માં, ફ્રેન્ચકટ રાખે દાઢી-મૂછ
મિત્ર ગણીને સર્વની કરે સદા પડપૂછ

ફોનમહીં ચાલ્યા કરે થંભે નહીં પ્રવાસ
નાકેથી ના કાનથી સતત લિયે છે શ્વાસ

‘આશા ટ્રેડર્સ’ એટલે ખુલ્લું તીરથધામ
કવિતા આવી હોંશથી થાય ઠરીને ઠામ

ખાતો ને ખવરાવતો ખંતે આઇસક્રીમ
પછી હોઠથી ઊતરે પુષ્પ, નદી ને સીમ

‘હોહ્ઓ’ એવું હસી પડે ધીંગું, છાતીફાડ
પડછંદાઓ ઝીલીએ અમે બનીને પ્હાડ

‘અનન્ય’ નામે વૃક્ષપર છે ‘કલરવનું ઘર’
છાંયે બેસી માણતો માણસ નામે સ્વર

મુશાયરા, ઉદ્દ્ઘાટનો , સંગીત-સંમેલન
આયોજન ઉસ્તાદને જોઈ ઠરે લોચન

ભ્રમર સમો એ ઊડતો જ્યાં-જ્યાં ભાળે મ્હેક
ભાવક ઉપર શબ્દનો કરે નિત્ય અભિષેક

એવો એક મુકામ છે : હર્ષદ નાથાલાલ –
ચંદારાણા ઢોળતા અમરેલી પર વ્હાલ*.
*

* ‘મહેકનો અભિષેક’ પુસ્તકના વિમોચન-પ્રસંગે
૨૩-૦૭-૨૦૧૦ / શુક્ર0 comments


Leave comment