118 - ભાઈ* / મનોહર ત્રિવેદી


ક્ષીણ તન, ભીને વાન, એવા ઘાટઘૂટ
વિધાતા એ આપમેળે લીધી હશે છૂટ ?

તેમ છતાં કિયે કારણ થૈ ત્રુઠવાન
ઊલટથી મૂક્યાં પછી ગળામહીં ગાન ?

તમારામાં શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ
ખોલી આપી કિશોરોમાં કથાઓની સૃષ્ટિ

આઠે પ્હોર પ્રવચન : મુખર ન થાય
બંધ કર્ણદ્વાર સહુ ઊઘડતાં જાય

પાષાણને ટાંકણાથી દીધાં જાણે રૂપ
મંત્રજળ છાંટ્યાં અને બેઠાં કીધાં સ્તૂપ

દુષ્કૃત્યોને જુએ છતાં કરે નહીં ક્રોધ
મનુષ્યોમાં કરે નર્યા મનુષ્યની શોધ

મળે આંખો ચાર ત્યાં તો ખરી પડે ભય
સરત ના રહે પછી કોની કેવી વય !

નીરખતા જ્યાં-જ્યાં, કદી આંખે ચડે ભૂલ
અડે ઋજુ હાથ ત્યાં-ત્યાં મઘમઘે ફૂલ

નીલવર્ણ, ઝળહળ થતી એક શગ
અંધારામાં લથડે શું કોઈનોયે પગ ?

એકએક સાંજ અરે, ઊભી રહી જાય,
ચાહે તો યે બારણેથી આઘું ના ખસાય

ઘરમાંથી વહી આવે યમન-કેદાર
અંગૂલિને ઓળઘોળ કરતી સિતાર

કેવી રીતે જોડી શક્યા કહો, તમે ભાઈ
ખબર ન પડે એવી ઊંચી આ સગાઈ ?
*

* સદ્દગત પૂ. મૂળશંકર મો. ભટ્ટ શતાબ્દી વંદના નિમિત્તે
૨૦૦૭


0 comments


Leave comment