4 - નિવેદન - વેળા / મનોહર ત્રિવેદી
અને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે
મૂંઝવણ સાથે મારો નાળસમ્બન્ધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે, એ જ મારી આંગળી ઝાલી, હેતે કરીને, અંધારાં ઉલેચતી, ખાડાખૈયામાં, ઝાડીઝાંખરાંમાં ભેરવાઈ ન જાઉં તેની ખેવના પણ રાખે છે.
કવિતા મને ન પડકારે, ન ડારે. બચપણમાં મિત્રો સાથે ઉખાણાંની ત્રમઝીંક બોલતી. સાચાં પડતાં તો પીઠ થાબડનાર મળતાં, ખોટા પડીએ તો મળે નકરી હાંસી. ઠિઠોરી. ફાંસી ઓછી હોય એ વાતે ? બસ, એમ કવિતા ઉખાણાની જેમ આવે. તાવે. વિચારતાં કરી મૂકે. એકાદ પંક્તિ અધરાતે-મધરાતે વીજ જેમ ઝબકે. ઊંઘમાંથી જગાડે. કાગળ પર ટપકાવી લેવા વિવશ કરે. લખી લઈએ. પછી કોણ જાણે કેમ, એક વેંત પણ દોરો ન આપે. પ્રિય સખીની જેમ છેતરતી રહે, મરમમાં, આંખ મિચકારી કમાડ આડે લપાઈ જાય, એવું. વચ્ચે-વચ્ચે કોઈ ગીતના મુખડારૂપે કે ગઝલના મત્લા સ્વરૂપે, છંદની અર્ધપંક્તિમાં કે છેવટ નાનકડા હાઈકુ-મુક્તકના ચિત્ર બની દેખા દે. આવી રીતે ક્યારેક સડસડાટ, એક જ બેઠકે, ઝાઝી ખેંચતાણ કર્યા વગર, કાગળ પર કલમની ટોચેથી ઊતરે પણ પેલી અધૂરી પંક્તિઓ મહિનાઓ સુધી બઠ ન માંડે. એકલા-એકલા મૂછમાં હસીને એવુંય વિચારીએ કે આવાં અસંખ્ય મુખડાં, એક જ ટાન્ઝા લગી પહોંચી, વટકીને ઊભેલું ગીત, ગઝલના કૈં – કેટલા એકાદ-બે મિસરા, અઢી-ત્રણ પંક્તિની સોડ ઠાંસીને સૂતેલી છાંદસી, અધૂરીપધૂરી અછાંદસ રચના : આનો જ એક સંચય ગુજરાતી ભાવકને પકડાવ્યો હોય તો ! પછી સમૂહમાં સુત્રોચ્ચાર કરાવશું : વાંચે ગુજરાત ! પણ ના. એ અચાનક આગળિયો ઊંચકીને માલીપા આવે છે. રીઝવી-મનાવી લખાવે છે ને ન્યાલ કરી દે છે.
હા. હું પણ એનો છાલ છોડું નહીં. વેરવિખેર પૃષ્ઠો પર ફરી-ફરીને મળું. અતૂટ મૈત્રીને આંચ ન આવવા દેવાય. પરસ્પરની ધીરજ અમારો વિચ્છેદ નથી થવા દેતી. આમ સરળ. નહીંતર ટેવ એવી કે ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ’ઉદ્દેશ’, ‘સમીપે’ જેવાં સામયિકોનાં રૅપરને કાતરથી કાપી મૂકી રાખ્યાં હોય મેં. કવિતાનું પ્રથમ અવતરણ આવા ટુકડાઓ પર થાય. ગાંધીબાપુ આવીને મારે માથે હાથ ફેરવી જાય, આછોતરા સ્મિત સાથે !
પાછું વળીને જોઈએ તો એ કાંઈ પડકાર ન કહેવાય. આપણે જ આપણી મેળે શૂળ ઊભું કર્યું હોય. ઊઠ પાણા, પગ ઉપર ! –ની ગત. આમ કરીએ તો કેમ થાય, એવું અનન્ય વિસ્મય એની પછવાડે હોય. થોડું ખૂલીને કહું. મેં પાંચ વર્ષાગીત લખ્યાં. પંક્તિ ઝિલાઈ : આંગણમાં આવીને વરસી રે તું : એ ક્યાંથી, કેમ, કઈ રીતે આવે એનો જવાબ તો મારો વાલોજીએ નથી આપી શકે એમ. અન્તર્યામી ખરો પણ તે છે અન્તર્ધાન. અદ્રશ્ય. એણે મને વાણી આપી પણ પોતે મૂક. હા, નામે અન્તર્યામી, એક પંક્તિ આપી દે છે ને તે પછી તે છુટ્ટો.
આ પ્રથમ પંકિત તે કવિતા. એ કર્તા ઉર્ફે કિરતાર, કર્મ આપણા હાથમાં મૂકીને અલોપ જ રહે છે. એક અર્થમાં તે મારું અને કિરતાર, કર્મ આપણા હાથમાં મુકીને અલોપ જ રહે છે. એક અર્થમાં તે મારું અને કિરતારનું સહિયારું સર્જન. કર્મ એ જ મથામણ સરવાળે, કૃતિને આકૃતિ પ્રાપ્ત થાય છે.
આડે કેડે ચડી જાઉં તે પહેલાં ફરી વાર પેલી પંક્તિને ઉદાહરણ માટે ખપમાં લઉં :
આંગણમાં આવીને વરસી રે તું....
જુદી રીતે જ સૂઝી આવ્યું. કલમને માયા લાગી નવતર કરવાની, તેથી મુખડાની પંક્તિનો પ્રથમ શબ્દ લઈ ગીત તરફ આમ વળાયું :
આંગણમાં
વૈશાખી વાયરા ફૂંકાય એવું લાગે છે કેમ સખી, ઝરમરતા શ્રાવણમાં ?
બે અંતરામાં પ્રથમ ગીત લખાયું. બીજું ગીત અનુસંધાન સાચવીને આમ આગળ વધ્યું :
આંગણામાં આવીને
કોનો અણસાર સખી, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરામાંથી લાવીને
એના પણ બે અંતરા થયા. ત્રીજું, ત્રણ અંતરામાં –
આંગણમાં આવીને વરસી
જુદી પડેલી એક વાદળી કોને રહી છે તલસી
ચોથું –
આંગણમાં આવીને વરસી રે
અને પાંચમું :
આંગણામાં આવીને વરસી રે તું
વાદળી તું આજ, ગઈ કાલે હતી લૂ
આ રીતે થયું એક વર્તુલ પૂરું. પંક્તિના પ્રારંભિક પદને વશ રહીને જુદા-જુદા લય નિપજ્યા. જુદા-જુદા પરિવેશ એને પ્રાપ્ત થતા ગયા. નાયિકાના હાથમાંથી દોર નાયકના હાથમાં ક્યારે આવી ગયો એની જાણ સુધ્ધાં આ ગીતોએ મને ન થવા દીધી. લખાય ત્યારે રચના આપણને અનુસરે પછી આપોઆપ આપણને અનુસરવા પ્રેરે. એ જ મજા. આનંદ-કૌતુક – પાંચેય રચનાઓ સાફસૂથરી થઈને મારી સામે ઊભી હતી. ત્યારે લાગે : સાધો, સહજ સમાધિ !....: જામો કામી ને જેઠવા ! ધાર્યું તે અણધાર્યું બને, લોચન ખૂલ્યે કવિતા કને...આવું આવું ચોપઈના મૂડમાં ચાલે, સાહેબ. અન્ય ગીતોનાયે આવા ગુચ્છ બની આવ્યા છે : ‘બાયું’ , ‘લીંબુગીત’, ‘તડકાળગીત’, ‘મુખીગીત’, ઇત્યાદિ,
પ્રથમ કવિતા (?) લખાઈ ત્યારે તો હતી અમારી મુગ્ધાવસ્થા. નર્યું ખેંચાણ. હું સાવરકુંડલા તાબેના ખડસલી ગામની સામે પાર આવેલી લોકશાળાનો નવમી શ્રેણીનો વિધાર્થી. અમારા શિક્ષકો મોટા ભાગના લોકભારતીના તાજા સ્નાતકો. શ્રમ, વિદ્યા અને વિદ્યાર્થી. માટે અનુપમ લગાવ. નાનકડી ટેકરી પર અમારી સંસ્થા. ઊંટ સમાઈ જાય એવાંએવાં એમાં કોતર. હળ હાંકી-ખેડીને માટીનાં ટોપલાં સારીને એ કોતરોનું મેદાનોમાં રૂપાંતર થયેલું, વિદ્યાર્થી-શિક્ષક કાર્યકરોના સમૂહશ્રમ થકી. જામવાળી અને કાદવાળી નામે બે નદી, ચોમાસામાં ટેકરી ફરતે આંટો વાઢી લેતી ને ટેકરી હોય એક નાનકડો બેટ. વરસાદ સાત-સાત દિ’ની એલી (હેલી) લઈને આવતો. પૂર ઓસરતાં નંઈ. ગોસ્વામીજી કહે છે એમ : છુદ્ર નદી ચલી ભરિ તોરાઈ, જસ થોરેહુ ધન ઇતરાઈ ... : બહારના જગત સાથે આઠ-આઠ દિ’ સમ્પર્ક વગરના વીતે. ક્યાંક નાનોસરખો પુલ નંઈ. વર્ગોનું સમયપત્રક ખોરવાઈ જતું. પુસ્તકાલય-વાચનાલયની સમૃદ્ધિ એ અમારા ગુરુગણ દ્રારા અમને અપાયેલી મહામૂલી દક્ષિણા. સવારે લીધેલું પુસ્તક સાંજના ઓળા ઊતરે ત્યાં તો પૂરું. પ્રકૃતિના ખોળામાં અમારો ઉછેર.આંબાનાં બેલાખડાંમાં માળા બાંધીને વસ્યા છીએ ને લખલુટ વાંચ્યું છે. ભૂખડી બારશની જેમ તૂટી પડતા અમે. પાનેપાનું આલેખે અમારી છબી. મોંસૂઝણું થયે ઊપડ્યા છીએ ફૂલની નૌકા લઈને. નદી ઓસરે વારંવાર, કવિતા સાવ ઓસરી નથી હજી.
યુનેસ્કો તરફથી સંસ્થાઓને વિદ્યાર્થી માટે નૉનફેટ દુધનો પાઉડર ડબ્બાઓમાં અપાતો. એનો ઉપયોગ થઈ ગયા પછી ઠેબે ચડે. લખાઈ ગીતનામી રચના : આ નૉનફેટનું ડબલું ! : ગડબડતું-રડવડતું-પડતું-આખડતું જેવો નાદવૈભવ સૌના રાજીપાનું કારણ, એ સિવાય ઉત્સાહિત કરવાની વૃત્તિ પણ ખરી. બહારથી અતિથિઓ આવે ત્યારે મને રજૂઆત માટે અચૂક ઊભો કરે. ગીતમાં બીજું તો શું હતું ? એ પણ નૉનફેટ જ હોય ને ! છતાં એણે કવિ તારીકેની મહોર મારી દીધી. પછી તો કવિ થયા અમે, એટલે હોવું જોઈએ ને, ઉપનામ ? પ્રારંભે થયા – ઓળખાયા ‘દિલેર’ થઈને....
-અને આવ્યા કવિ મીનપિયાસી, ચૂડાથી. લાગલગાટ ત્રણેક સપ્તાહ અમારી વચ્ચે રહ્યા. ‘કબૂતરોનું ઘૂ-ઘૂ -ઘૂ -’થી માંડીને ‘આ ચૂલામાં શો તાપ બળે !’, ‘ધરતી હૈયે ધોરિયો હાલ્યો’, ‘પાણીનો આ ગોળો’, ‘બારીએ બેઠો’, ‘અવ કોઈ મને ના ટોકે’ જેવી પોતાની અસંખ્ય રચનાઓ સંભળાવીને અમને ધન્ય કરી દીધા. મંચ પર એ એક જ ગીતકવિ હોય ને બીજા ગઝલકારો. રજૂઆત એવી દાદૂ કે ગઝલકારો લમણે આંગણીઓ ચિપકાવીને એમને સાંભાળે. અન્ય કવિઓની કવિતાઓ એવા તદ્રૂપ થઈને સંભળાવે, જાણે પોતે રચી હોય. બાલમુકુન્દની, ‘આ શ્રાવણ વરસ્યો સરવડે, કોઈ ઝીલોજી/આ ઊડી ચાલ્યાં ધૂપ, રે કોઈ ઝિલોજી’ સંભળાવીને કહેશે : મેં આ એક જ ગીત લખ્યું હોત તો મારાં બીજાં ગીતો મે ફાડી નાખ્યાં હોત. વળી, સાંભરે છે જયંતીલાલ સોમનાથ દવે. લોકભારતીના કૃષિસ્નાતકના અભ્યાસક્રમમાં ભણે. ‘કોડિયું’ના પ્રથમ પાને તેમની ગીતરચના છપાય ને બીજે મહિને ‘મિલાપ’માં અવશ્ય પુનર્મુદ્રિત થાય. અમારી રુચિની વાટને એ ગીતોએ પણ સંકોરી. આ શિક્ષકોએ અને સર્જકોએ અમારી આંગળી ઝાલીને મીરાં-નરસિંહ, અખો-પ્રેમાનંદ પાસે લઈ જઈને ઓળખાણ કરાવી. અને ઓળખાણ કરાવી સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત, પ્રહલાદ, મકરન્દ, વેણીભાઈ જેવા અનેકાનેક સર્જકોની. ઉચ્ચ શિક્ષણ માટે લોકભારતીમાં પ્રવેશ મેળવ્યો. સીધું માર્ગદર્શન નહીં. ભલે. નાનાભાઈ ભટ્ટ, દર્શક, મૂળશંકર મો. ભટ્ટ અને ન.પ્ર. બુચ જેવા સાહિત્યકારો વચ્ચે જીવવા મળે પછી શી ઓછપ-અધૂરપ ! વાચન વધુ પુખ્ત થયું. દિશાઓ ખૂલતી ગઈ. ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’માં વડોદરા-સ્કૂલના કવિઓની કવિતા છપાતી. સમજાય તો મા કસમ, એવો ઘાટ. પણ ના. સ્થૂળતા ઓગળવાનું અદ્રશ્ય કામ એના થકી ઓછું નહીં થયું હોય. મારું મન કહે છે આ. ટેવ પડી, પરિણામે, કવિતાનો અનુશીલનની; લય, તાલ, પ્રાસ- અંત્યાનુપ્રાસ, ગીતમાં વિષયગત ભાવ માટે સચવાવી જોઈએ તે સળંગસૂત્રતાની, સૂક્ષ્મતાની, મુખડામાં આખી કે અર્ધપંક્તિ અથવા એક જ શબ્દ હોય છતાં ટેક તરીકે આવતી પંક્તિ ને એ પછી આવનાર અંતરામાં, ધ્રુવપંક્તિ અનુસાર લય-નાદનાં આવર્તનોની કાળજી લેવાવી જોઈએ. ગીતનું સ્વરૂપ બરાબર ઝિલાઈ ગયા પછી કવિતાની આંતરઆવશ્યકતા હોય તો પ્રયોગો પણ થતા રહે. જે લયથી એનો પ્રારંભ થયો હોય એ લય અંતરામાં જુદી રીતે જ, દુહા, ચોપાઈ કે વનવેલીના – મનહરના સ્વાંગમાંયે આવે. ગોઠવણ એવી હોય કે પ્રથમોદ્દગાર સાથે એનો અનુબંધ – એનું અનુસંધાન જોખમાય નહીં. ગઝલમાં એ શક્ય છે. મત્લાના શેઅર વચ્ચે ને તે પછીના કે મક્તાના શેઅર વચ્ચે આવી સળંગસસૂત્રતા–ભાવની જરૂરી નથી ગણાઈ. એને એકસૂત્રમાં પરોવી રાખે છે કાફિયા-રદીફ, ગીતકવિને પ્રયોગદાસ બનીને સ્વામીત્વ ખોવું ન પાલવે. જાત સાથે છેતરપિંડી કરવી હોય તો ‘કવિરાજાની’ મરજી ! ગઝલમાં પણ મુસલસલ અને નઝમમાં આ બાબત છે જ. અલગ-અલગ કોણથી રચાતા શેઅરનો સ્વાદ આપણે માણીએ જ છીએ. રસ્તો, તડકો, અંધારું, જંગલો, વરસાદમાં – કેટકેટલી આવી વિષયગત ગઝલોએ આપણી ભાષાને તૃપ્ત કરી છે ! સંભારી લઉં કુમારને. સંભારી લઉં પિતામહ બચુભાઈ રાવતને. કેટકેટલી પેઢીઓનું સુરુચિપૂર્ણ ઘડતર તેમના થકી થયું. પેઢી, કવિઓની પેઢી, ૧૯૬૯માં પ્રથમ વાર જ ગીત મોકલ્યું ને સ્વીકારનો ટૂંકો છતાં વહાલસોયો ઉત્તર. છપાયું ત્યારે ઝૂમી ઉઠ્યો’તો. ‘કુમાર’ના પહેલા પાને છપાતી કવિતાઓમાં પહેલી વાર જ બદલાવ જોયો હતો. રમેશનું, ‘સોનલ, તમે સોનમુખીનું ફૂલ ને અમે ઢળતા સૂરજ’, માધવની ‘યાદ’ નામે કટાવના લયમાં લખયેલી, ‘ટોડલે તોરણિયાની ભાત / ગોખલે સેંથાનું સિંદૂર / બારણે કડાં નહીં, કંકણની ઝૂલે જોડ....’ અને મારું ગીત, ‘પાનીઓ વચ્ચે તરતી કેડી, આંખમાં તરે ઘર / બપોર થાતાં વરસ્યું પાછું બેઉ કાંઠે ખેતર’ – આ ત્રણે રચનાઓ બીજાં કાવ્યો કરતાં, અલગ ઉઠાવ આપવા, ભૂરા રંગમાં છાપી હતી. નવા સ્વરનું સ્વાગત કરવાની બચુભાઈની આ અદ્દભુત રીત ! અને હા. પ્રદ્યુમ્ન તન્ના. આ પાને જ તેમનાં ગીત વાંચીવાંચીને કિશોરાવસ્થામાંથી તરુણાવસ્થામાં પ્રવેશવા છલાંગ ભરી હતી. આજે, આ ઉંમરે થાય છે, મારું કવિતાનું ગોત્ર અહીં જ ક્યાંક છે.
ભાષા અને છંદોલયના આપણને ઔષધ પેઠે પુટ ચડે છે. એ એક જ સમયે, સ્થળે, બેઠકે મળે નહીં. ભોંયમાંથી નીકળેલાં કોંટામાંથી ક્યારે વૃક્ષ બની ગયું, તે નરી આંખે ન જોઈ શકાય એવી પ્રક્રિયા છે. કવિતાનું યે એવું.
બાળકપ્રથમ મા સાથે, પિતા અને પરિવાર સાથે ને એમ ક્રમશ: પડોશી, શાળા ને સમગ્ર સમાજ સાથે સંપર્કમાં આવે છે. જ્ઞાતિગત બોલીના જુદાજુદા લહેકા, કહેવત-રૂઢિપ્રયોગ, કથાનકોના સંસ્કાર જાણ્યેઅજાણ્યે એની ચેતનામાં ઝિલાય છે, આત્મસાત્ થાય છે. ગામ-પંથકની બોલી એક, પરંતુ એમાંય ભાતીગળ ઓળખ. દરેક જ્ઞાતિમાં બોલચાલની લઢણ જુદીજુદી. આંખકાન સાબદાં હોય, કેળવાતી કોઠાસૂઝ હોય, જાણાવાસમજવામાણવાની આકંઠ તરસ હોય ને એ સૌ વાનાં સાથે પ્રતીતિપૂર્વકની સર્જકપ્રતિભા હોય તો ભાષા અને છંદોલય પાછળ-પાછળ પગલામાં પગલું પરોવીને ચાલી આવે છે. નાની બહેન મંજુને બા ઘોડિયામાં સુવાડતી, એ દ્રશ્ય આટલાં વરસેયે તાજુંમાંજુ છે. બા નથી, દ્રશ્ય છે. એણે ખોયા સાથે બાંધેલી દોરીનો બીજો છેડો પગના અંગૂઠામાં વીંટ્યો હોય, અંગૂઠો ડાબા-જમણે નમે ને હીંચકો ચાલે, હાથમાં અનાજ ઝાટકવાનું સૂપડું હોય, તે ઝાટકતી જાય, ગળામાં હાલરડું હોય – ત્રણેનો તાલ-લય એક જ હોય. ન ગતિમાં ખાંચ, ન કંઠમાં ખટકો. મારાં અભણ બા નહોતાં શતાવધાની, અષ્ટાધાની પણ ત્રયાવધાની તો ખરા જ. મારી હેડીના હોય એમાંથી કોણે આવા દ્રશ્યો નથી જોયાં ? બ્રાહ્મમુહૂર્તમાં માણું બાજરો લઈને ઘંટી પર બેસી જતાં ત્યારેય એમના ગળામાંથી રાધા-કૃષ્ણના કીર્તનની સેર એક પછી એક છૂટતી જતી હોય, વાસણ-બેડાં ઊટકતી વખતે, રેંટિયો કાંતતાં કે રસોઈ બનાવતાં, સાંધણ-સુંધણ, ભરત-ગૂંથણ, પ્રાત:સ્નાન વેળાએ કીર્તને જ એમને જીવતાં રાખ્યાં હશે, જટાજૂટ કામ વચ્ચે. અસંપ્રજ્ઞાતપણે આ બધું મારામાં ઠરીઠામ થયું ગયું હશે. ગ્રામદક્ષિણામૂર્તિ – આંબલા ને ખડસલીનો અભ્યાસકાળ નિમિત્ત બન્યો છે. લોકભારતીમાં સોનગઢના સુખ્યાત ભજનિક મોહનલાલ રાયાણી આવતા. એનીથી યે આગળ માલપરામાં ભણતો ત્યારે ચોસલાના વાઘરી ભજનિક કલ્યાણ ઘુસા-દંપતીએ અમારા ખડખડપાંચમ એકાનાં પૈમાં તેલ ઊંજ્યાં છે. ચોરે, પાદરના ઓટે બેસતા નવરાધૂપ ભાભલિયાવે અમારી વાણીમાં બખિયા ભર્યા છે. કૉસના કિચૂડાટે, નદીઓનાં ખળખળ વહેણે, પંખીના તાલબદ્ધ સ્વરે, પાણતિયાના દુહા-સળુકાએ છંદોલયની કેડીએ અમને ચડાવ્યા છે. સરત ન રહે તેમ, વહુવારુ-તરુણીઓનાં વ્રત-વરતોલાએ એનું સિંચન કર્યું છે.
‘જટિલ વ્યાસનો એક શેર સ્મરણમાં જળવાયો છે :
અજાણ્યો અને અંધ જેવો ગણીને
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર
પડિયો કાણો હોય તો પીરસનારનો વાંક ન કઢાય. ઋણનો ભાર ખંધોલે નાખ્યા વગર હજાર-હજાર હાથે, તદ્દન અનાસક્તભાવે, સાચા અર્થમાં, જમણો હાથ આપે તો ડાબાનેય ખબર ન પડે એમ આપનારે મને આપ્યું છે. કેટકેટલી જણસ મારામાં સંચિત થયેલી છે ! સાંભરે છે, દુલા ભાયા કાગ. ગદ્યમાં લયહિલ્લોળ પામવા, કાનજી ભુટા બારોટને જેણે સાંભળ્યા તેણે પશ્ર્વિમે કથેલું ખપમાં લેવાની જરૂર ન રહે. હેમુ ગઢવી, ઉત્તરવયે નારાયણ સ્વામી બનેલા શક્તિદાનગઢવી, લાખાભાઈ ગઢવીનાં ગીતો-ભજનો સાંભળવા જોજનનાં જોજન પંથ પગ હેઠથી પસાર થયા છે. આ બધું ઝીલ્યું ને ઝવ્યું કવિતામાં – વારતામાં. મારા અન્ય ભાઈબંધ-દોસ્તારોયે સાથે તો હોય ને ? એમણે એમની સર્જકતા કામે ન લગાડી. રવિ ઠાકુર કહે છે એમ, જન્મદત્ત એક પ્રતિશત, નવ્વાણુ પ્રતિશત કવિતાએ બનવું પડતું હોય છે. કૌશલનો યથાર્થ ઉપયોગ કરવો પડે છે.
બચપણથી માંડીને આજપર્યંત સંચિત અનુભવો અવકાશ મળતાં કોઈ ને કોઈ પ્રકારે, રીતેભાતે કાગળ પર ઊતરે છે. પાવાગઢ ડુંગરેથી મા ચાચરના ચોકમાં ! મારાં તડકાળ ગીતોનો ગુચ્છ ચોમાસાની મેઘલી રાતોમાં આકાર પામ્યો હોય, વર્ષાગીત લખાયાં ત્યારે આભના એકાદ ખૂણામાંયે નાનકડી વાદળીનું ચિહ્ન ન હોય. ૠતુઋતુનાં, કુટુંબભાવનાં, કે અન્ય રચનાઓ તત્કાલીન સામયિકતાનું પરિણામ જ હોય એવું નથી. એ ગમે ત્યારે, સાતેય પાતાળ તોડીને બહાર ધસી આવે છે. પોતાની સર્જક એની ૠતુ સર્જી લે છે.
માત્રિક છંદ તો આપણી લોકવિરાસત છે. આપણાં હાલરડાં, લગ્નગીત, પ્રભાતિયાં, ઉખાણાં, મરશિયાં, સીમંત જેવાં વિવિધ પ્રસંગે ગવાતાં ગીત, દુહા-સોરઠા-ચોપાઈ-કટાવ ઇત્યાદિ છંદો તો હાથમાંનાં આમળાં પેઠે આપણે આપણામાં ઉતારી લીધા હોય છે. ગદ્યનો લય એટલે શું ? સળુકા સાંભળી જુઓ. રામ-સીતાના સંદર્ભે એ ગવાતા શેરડીનો વાઢ ફરતો હોય, શેરડી વઢાતી હોય. રાત-દિ’ ચાલે. ગાડાંમાં ભરાય, ઠલવાય ચીચોડા પાસે. ઊંઘ ન આવે, થાક ન લાગે, કામમાં હોંશ રહે એટલે ભેરુબંધો સામસામે, સામસામે, સવાલ-જવાબની રીતિએ, ગળતી રાતે સળુકા વહેતા મૂકતા. આ બધામાંથી લય-લહેકાની નદીઓ ગાંડીતૂર થઈને વહેતી, નસનસમાં. ભવાઈવેશમાં આવતા ‘પાંચીકડા’માં શીઘ્ર સર્જકતાનો સંસ્પર્શ, એ અભણ ભજવૈયાના હોઠેથી, હાસ્યની છોળમાં ઝબકોળાઈને વહેતો જોયો છે. પાંચીકડામાં આવતો અંત્યાનુપ્રાસ કોઈને આગંતુક ના લાગે. અર્થાત્ માત્રિક છંદો આપણા લોહીનો અભિન્ન હિસ્સો છે. ગઝલ તરફ શિખાઉ જણ અમસ્થો નથી ખેંચતો. હા. ત્યાં આવીને અટકી જવાનું ન પોસાય. અક્ષરમેળ છંદ સંસ્કૃત પાસેથી મળેલી પવિત્ર મંજૂષા છે. એના ગણ અને લગાત્મક સ્વરૂપનું શિક્ષણ મેળવવું પડે. તેમાં રહેલી સંકુલતા સર્જકને શિસ્તમાં રાખે છે. શાલેય અભ્યાસ દરમિયાન હશે મારી ગ્રહણશીલતાનો દોષ. મારા ભાગે ભણાવવાનું ન આવ્યું ત્યાં સુધી અક્ષરમેળ છંદમાં મને શેય પતીજ ન પડે. એનું બંધારણ સમજાય નહીં. ‘યમાતારાજભાનસલગા’માં રહેલ ગણ વિશે ગુરુમહાશય સમજાવે : ‘ય’-ગણ એટલે ય-શો-દા, ‘મ’-ગણ એટલે મા-તા-જી, ‘ત’-ગણ એટલે ‘તા-વી-જ...’ ઇત્યાદિ. અરે, ભગવાનિયા, શી છે આ લમણાઝીંક ? ખૂબીની વાત એ છે કે શિખરિણી, મંદાક્રાન્તા જેવી છંદ ગાઈને પંક્તિઓ લખી શકું ને બરાબર છંદમાં આવે ! ગણની રચનારીતિ ઠેઠ માસ્તર બન્યો ત્યાં લગી મનમાં ન બેઠી. એક બાલ્યભેરું, નામે કવિ કનું અંધારિયા. તાલીમ મેળવ્યા પછી તે સાવરકુંડલાની હાઈસ્કૂલમાં જોડાયો ને હું ત્યાંના મહિલા અધ્યાપન મંદિરમાં. હવે છંદ શીખવવાના હતા. છૂટકો નહોતો. મેં કનુને મૂંઝવણ કહી તો એણે ચપટી વગાડી : એ તો તદ્દન સરળ છે. : કાગળમાં લખ્યું : ય-મ-ત-ર-જ-ભ-સ : આ ગણ. ત્રણ અક્ષ્રરનો એક ગણ થાય. એને આ રીતે લઘુ-ગુરુમાં મુકાય : ય-મા-તા-રા- જ-ભા-ન-સ- : લગા : એમાંથી ત્રણ અક્ષ્રર ઉપાડતા જવાના. ‘ય’ એટલે ય-મા-તા, ‘મા’નું થાય મા-તા-રા-,’તા’નું થાય ‘તા-રા-જ....વગેરે. છેલ્લે, બે, લઅને ગા તે વધારાના, ગણ બહાર. તે છંદની આવશ્યકતા અનુસાર છેલ્લા બે અક્ષર વધ્યા હોય તો ‘ગા-ગા’ અથવા ‘લગા’, એક જ અક્ષર વધે તો ‘ગા’. ચિત્તમાં ચમકારો થયો. બરાબર સ્પષ્ટ થઈ ગયું. એ પછી અને આજે પણ હું છંદ શીખવું છું. એકલદોકલ જિજ્ઞાસુને, હાઈસ્કૂલ-લોકશાળામાં અથવા કોઈ છંદ શિબીરમાં ગાઉં છું એના લય અને આરોહ-અવરોહ પ્રમાણે. આપું છું સમજ યતિ અને યતિભંગની. અતિશયોક્તિ વિના લખું છું, પૃથ્વી છંદમાં બ. ક. ઠાકોરે એમના એક (કદાચ ‘મોગરો’) સૉનેટમાં –ચૌદ પંક્તિમાં – બાર-તેર જગ્યાએ લઘુ-ગુરુમાં છૂટ લીધી છે. કહેવાય છે, પૃથ્વી અગેય અને અઘરો છંદ છે. વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે વાત થઈ. કોઈકે સૂચન કર્યું :’સાહેબ, તમે લખો તો ?’ : મેં કહ્યું :’ના – આટલી છૂટ ન જ લઉં. મારી ભાષાના આ મહિમાવંત કવિ આટલી બધી છૂટ લે, છંદને આમ તોડે-મરોડે ! ધારે તો નિવારી ન શકે ? પણ આ તો બ. ક. ઠા. જીવતાજીવત એમને કોણ કહેવા જાય ? આજે તેઓ નથી એટલે હું આમ તલવાર તાણી ઊભો છું.’ મારા વિદ્યાર્થીએ મને પડકાર્યો’તો જાણે. પૃથ્વીનું ‘જસજસયલગા’ બંધારણ મારામાં બરાબર ઘૂંટાયું હતું ને મેં લખ્યું : ‘વિસંગતિ’ નામ સૉનેટ, (જે સુરેશભાઈએ ‘કવિતા’માં પણ છાપ્યું.) છેલ્લી બે પંકિત ભાવપરિવર્તન સંદર્ભે અનુષ્ટુપની પસંદ કરી. પ્રાસ પણ ચપોચપ બેસી ગયા. થોડી પંક્તિઓ મૂકું :
સબાક.... પડતા રહે સતત પીઠને ચાબુક
સટાકસટ ઊઠતાં અહહ, સોળ-ચાંભાં ધપે
ધરાતલ પરે ધબાક પછડાય, તે અશ્વ-પે
સદૈવ ક્રમ સાચવી બબડતો રહે ચાલક
ન કંપ, અનુકંપ કે હૃદય માં કશી કૈં વ્યથા
અને વિવશ અશ્વ, એય કથશે નહીં કો’- કથા
.... ..... .....
છોડી ત્યાં દેહને અશ્વ પોતાના મારગે પળ્યો
મને યે એકલો મૂકી ભાગી આ દેહ નીકળ્યો.
આખ્ખું સૉનેટ અહીં મૂકવાનો ઉપક્રમ નથી. બાર પંક્તિમાં એકાદ સ્થાનને બાદ કરતાં ક્યાંય છૂટ ન લેવી પડી. સડસડાટ આવ્યું આખ્ખું સૉનેટ. થોડીક ધીરજ, થોડીક સમજભરી શબ્દપસંદગી સાથે હોય તો અણધાર્યું આંખ સામે આવીને ઊભે છે. માતૃભાષા મથામણ કરનારને સહાય કરવા હંમેશાં તત્પર હોય છે. છંદની મુદ્રા પામી ગયા તો અમીટ આનંદ રોમેરોમમાં ફરી વળે છે.
જગત પરિવર્તનશીલ છે. આજનું પ્રભાત ગઈ કાલ કરતાં જુદું જ હોવાનું. આવતી કાલે શક્ય છે એ વધુ સુંદર હશે. શક્ય છે એ ધૂંધળું – ધુમ્મસભર્યું પણ હોય. ગઈ કાલે લખાયેલી કવિતા કરતાં આજની કવિતા નોંખી તરી આવે એવી બને છે. બને કે આવતી કાલે લખાશે ત્યારે આજના જેવી તેજસ્વી ન યે હોય. તેથી જ વરસો પહેલા લખાયેલી રચના આજ પણ ગમતી હોય, તાજી જ લાગે, સદ્યસ્નાતા, અનુભવ, શબ્દસંચય, વાચનમાં બદલાતી રુચિ, પોતાની તેમ, અન્ય ભાષાઓની કવિતાનું પરિશીલન, સર્જકો સાથેનો સંવાદ, મુગ્ધતાને સ્થાને આવતી જતી પ્રૌઢિ, વિષય-વિચારનાં-કાળનાં તત્કાલીન પરિબળો સર્જનમાં પોતાની અસર ઊભી કરે જ. કૂવા સાથે જોવા મળતા વરત-વરતડી, કૉસ-ર્સોંઢ-પૈયું-થાળાનું સ્થાન મશીન – મોટરે લઈ લીધું છે. ગાડાંમાં જતી જાન હવે બસમાં જાય છે. હળ-બેલી-સાંતી-રપટો વગેરે ઓજારો લુપ્ત થવાના આરે છે ટ્રૅક્ટર જેવાં યંત્રોએ તેમનાં માન-મોભો ખૂંચવી ;લીધાં છે. અનાજ વાવલતા હવે : વા પધોર્ય ઘોડી : માંડવાની જરૂરત ઘટતી ગઈ છે. આ બધાંની સ્થૂળ ગતિવિધિ સર્જાકચિત્તમાં ઝિલાય તેથી તેમનાં સર્જનમાં યે બદલાવ આવે. મારા જેવો એ મુગ્ધતાની સીમા ઓંળગી નથી શકતા, જે હતું – છે, થોડુંઘણું, તેને શબ્દસ્થ કરી લેવાની મનોવૃત્તિમાં ગ્રસ્ત છું, તેને માટે વિવેચન ઓળધોળ ન થાય તેવો પૂરો સંભવ છે, તેમ છતાં મારી રચનામાં મેં મારી અંદર વસેલું જનપદ ખંડિત ન થાય તેની ચીવટ રાખી છે. બીજી બધી પ્રાપ્તિઓ એ આનંદ પાસે ક્ષુલ્લક છે. રમેશ જેવા સમકાલીનોનો પદસંચાર ક્યાંક-ક્યાંક મારાં ગીતોએ ઝીલ્યો હોય તોપણ મારા જનપદની માટીથી રજોટાયેલી મારી ચેતનાની સુગંધ મેં દોથે-દોથે વેરી છે ને એ સુગંધના હિસ્સેદાર બીજાનેય બનાવ્યા છે.
એકના એક ભાવના સગડ મારી બીજી કૃતિઓમાં પણ માને ભાળવા મળ્યા છે આ નબળાઈ મને પજવે છે. ઉમાશંકરભાઈ પેઠે દરેક નવી રચનામાં મારો નવજન્મ નથી થતો, એ વાતે હું અજાણ નથી. છતાં પુન:જન્મ તો થાય જ છે, આ ભૂતળમાં, કવિતાના ભૂતળમાંથી મળેલો પદારથ મને રાજી રાખે છે.
અને એ વાત, મારી કવિતા, સર ! રીઅલ છે.
શબ્દસૃષ્ટિ ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૧ દીપોત્સવી વિશેષાંક ‘કવિતા અને હું’ લેખ, થોડા ઉમેરણ અને ફેરફાર સાથે,
ઋણસ્વીકાર : કવિમિત્ર હર્ષદ ત્રિવેદી, જેણે આ લેખ લખવા માને પ્રેર્યો.
- મનોહર ત્રિવેદી

0 comments
Leave comment