1 - નિવેદન - ગઝલપ્રેમીઓને નામ એક પ્રેમપત્ર - અહમ્ ઓગાળવા આવ્યા / શોભિત દેસાઈ


બંધુ,
કેટલું બધું દેખાઈ રહ્યું છે મને આ ક્ષણે ? સ્મૃતિના પર્દા એક પછી એક ખૂલતા જાય છે અને હું એક એવા સમયમાં પહોંચી જાઉં છું જેની વાત તો મેં હજી હમણાં લખી !

કેટલા ઉપભોગ હાજર છે, સફરમાં શું નથી ?
પણ જતાં પહેલાં હું જોઈ લઉં, કે ઘરમાં શું નથી !

જિંદગી હજી માંડ સોળ પૂરાં કરીને સત્તર સુધી પહોંચી હતી. આંખમાં વિસ્મય હતું અને જિંદગીનો મિજાજ અવનવા પર્યાય ધરવાનો હતો. મિત્રોનો લગાવ અદાકારી તરફ ધકેલતો હતો, તો ઘરનું વાતાવરણ ગાયકી તરફ ખેંચતું હતું. આવા બીજા અનેક ‘તો’ ની વચ્ચેથી સાવ જ અચાનક ગઝલ આવી અને બુલબુલ પંખીના ટહુકાની જેમ જીભ ઉપર બેસી ગઈ !

ટેકરીઓ ઉપર ધોધમાર વરસાદ પડતો હોય અને ધોવાણની દરકાર રાખ્યા વગર પથરાળ ઘાસ જે નચિંત નગણ્યતા શ્વસતું હોય છે, એવા આવેગથી ગઝલે મને સંવેદ્યો છે – ગઝલ મારા ઉપર એવું વરસી છે. સત્તાવીસ સત્તાવીસ વર્ષથી ગઝલે મને ચાતકની પ્રતીક્ષા આપી છે, તો ક્વચિત્, મોરની ગહેક પણ આપી છે; અને બેજીવસોતો હું આ પ્રતીક્ષામય સભરતાને, ગઝલની આ ઋતુને, સતત જીવતો રહ્યો છું. ગઝલનો સ્વાદ મારા હોવામાં એકરસ થતો ગયો છે.

તૃષાની જે પરમ ક્ષણે ગઝલ પોતે ગઝલ બની, એ જ તૃષાની ક્ષણ મને પ્રાપ્ત થાઓ – એવી સતત વિનવણીઓ હું કરતો રહ્યો છું. ઘણી વખત આ તૃષા માટેની તલપ એટલી સઘન બનતી અનુભવાઈ છે કે જાણે આખુંય અસ્વિત્વ તૃષા ન બની ગયું હોય ! સતત, મેં ગઝલના મિજાજને મારો મિજાજ ગણ્યો છે, ગઝલનાં ઉપમાન-ઉપમેયને હું મારાં લક્ષ્યાંક સમજ્યો છું, ગઝલ લોકાર્પણ પામી છે, ત્યારે મુખવટા પર સ્મિત ફેલાયું છે અને ગઝલ સિદ્ધ થઈ છે ત્યારે ધ્યાનસ્થ હું શૂન્યાવકાશ અનુભવીને વધુ ખાલી થયો છું.

ગઝલે મને બચાવ્યો છે.

લાકડાની પેટીમાં કુંતી જેમ એનું પ્હેલવારકું જણતર પાણીમાં તરતું મૂકી દે – એ રીતે ગઝલે મને સમયની નદીમાં તરતો મૂકી દીધો છે.
ગઝલનાં કવચકુંડળે જ મને સલામતીનો અહેસાસ આપ્યો છે.

આજે હું એ જ કવચકુંડળ સાપ જેમ કાચળી ઉતારે એમ ઉતારી રહ્યો છું, કવચકુંડળનું મમત્વ પણ શા માટે ?

ધુમ્મસને પારો બનાવીને હથેળી ઉપર ટકાવવું એટલે ગઝલ લખવી. એક ક્ષણમાં ભ્રમના મહેલ-મિનારાને એ રીતે ધ્વસ્ત કરવાનો શૃંગાર ગઝલ પાસે છે – જાણે અહીં જમીન હતી જ નહિ, માત્ર જળ જ જળ છે વર્ષોથી. આગલી ઉત્તમ ગઝલ પછીની જ ગઝલમાં કવિ સાવ શિખાઉ પુરવાર થયો હોય એવુંય ક્યાં નથી અનુભવ્યું અનેક વખત, આખી ગઝલજાતે !

અંગત વાત કરું, તો લોઢાની સાંકળોથી લદાયેલો હું ગુલામ છું ગઝલનો. ગઝલ કદીક ખૂબ જ પ્રસન્ન થઈ મારી સાંકળોને બનાવી દે છે ઝાકળના હાર અને સોળ શણગારથી સજ્જ થઈ, મારી અડોઅડ આવી, મારી પાંપણો બીડી મને સંવનન સુખ આપે છે – અને એથીય વધુ, કદીક, પરમ તૃપ્તિની ક્ષણ બાદ મારા ચરણસ્પર્શ કરી મને માથે બેસાડી મને સ્વામિત્વ અર્પે છે.

તો જત જણાવવાનું, કે ગુલામીથી સ્વામિત્વ સુધીનો મારો સમગ્ર ગઝલ સમય ‘અહમ્ ઓગાળવા આવ્યા’ દ્રારા તમને પહોંચતો કરું છું. સત્તાવીસ વર્ષથી હું જે વાતાવરણને શ્વસી રહ્યો છું ત્યાં તમને લઈ જવાની લજ્જત કંઈ ઑર જ છે !

ઉચ્ચતમથી સહેજ નીચે હું રહીશ,
ટોચ પર પહોંચીને ગડગડવું નથી.

- શોભિત દેસાઈ
નવેમ્બર, ૨૦૦૨.
પર, સાગર-સંગમ, લીલાવતી હૉસ્પિટલ રોડ, બાંદ્રા રેકલેમેશન, મુંબઈ ૪૦૦ ૦૫૦.


0 comments


Leave comment