4 - સરળ ભાષામાં કહી દઈએ / શોભિત દેસાઈ


ગઝલની ગુંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ,
મુલાયમ મૌનનું રેશમ સરળ ભાષામાં કહી દઈએ.

પવનનું પોત દોર્યું છે હજી હમણાં લહેરોએ,
ચલો, આજે કોઈ મોસમ સરળ ભાષામાં કહી દઈએ.

સમય આવી ગયો છે લાગણીને નામ દેવાનો,
સંબંધો આપણા મોઘમ, સરળ ભાષામાં કહી દઈએ.

ફરી એને સ્મરી છલકાઈ જાતાં, ઓ નયન મારાં !
કોઈને ભૂલવાનો ગમ સરળ ભાષામાં કહી દઈએ.

અહીં સીધું સરળ જીવવાની એક જ રીત છે શોભિત,
હઠીલા પૂર્વગ્રહ કાયમ સરળ ભાષામાં કહી દઈએ.0 comments


Leave comment