10 - મોસમમાં તરી લઈએ / શોભિત દેસાઈ


અને અથવા તો આ અદ્દભુત મોસમમાં તરી લઈએ,
અને અથવા અહીંયાં, આ જ જગ્યાએ મરી લઈએ.

કહે છે વાદળોને જળ તૃષાતુર રણ નિહાળીને,
‘વરસવાનું મુનાસિબ હોય નહીં તો ઝરમરી લઈએ !’

તિમિર એકાંત આપે છે આ લીલાછમ પહાડોને,
તળેટીમાંથી તારાઓને પોતાના કરી લઈએ.

હવા પહેલી વખત આવી અનોખી લાગી છે તો ચલ,
નયન, જીભ, કાન, નાસિકા ને હોઠો પર ભરી લઈએ !

પૂરેપૂરું ખૂલી જાવાની ક્ષણ બસ આવવામાં છે,
બધી સીમાઓ ઓળંગીને થોડું વિસ્તરી લઈએ.


0 comments


Leave comment