12 - તરબતર તર્કની તબાહી / શોભિત દેસાઈ


મૌનની ભાષા ભાવવાહી, જો !
તરબતર તર્કની તબાહી જો !

ઓ થઈ ‘પો’ નાં ઊગવાની વેળ
સૂર્યકિરણોમાં રાત નાહી, જો !

આયના-માત્ર આયના છે બધે
રૂપ પણ કેવું છે પ્રવાહી, જો !

કળી ફરતાં ભ્રમર ફરે ફેરા,
જો ! તરોતાજા આ વિવાહી જો !

તારી એકલતાનો ઈલાજ કહું ?
રસ્તે ઊભો રહે ને રાહી જો !

લૂંટ ઉન્માદને નર્યો ભઈલા !
અન્યનાં કાવ્યને તું ચાહી જો !


0 comments


Leave comment