15 - તમસથી જ્યોતિ સુધીની પંચમહાભૂતની યાત્રા – ૧ - અંધારું / શોભિત દેસાઈ
જ્યોત ઉપર બળે છે અંધારું,
દીપ નીચે મળે છે અંધારું.
આભ વરસી રહ્યું છે અનરાધાર,
છત મહીંથી ગળે છે અંધારું.
સ્હેજ ઠેલો પવનનો વાગે કે,
સીમમાં સળવળે છે અંધારું.
એક સરહદ સુધી સલામત જઈ,
ત્યાંથી પાછું વળે છે અંધારું.
સ્વપ્ન યાચે રજા નયનની અને,
ઝાંખું કૈં ઝળહળે છે અંધારું.
રોજીયા કારીગરની જેમ રાતે,
આગિયાઓ રળે છે અંધારું.
તું અચાનક બને છે પૂર્ણિમા,
શૈયામાં ઓગળે છે અંધારું.
0 comments
Leave comment