4.1 - યે ઇલુ ઇલુ ક્યાં હૈ યે ઇલુ ઇલુ? પૂછો એરિક ફ્રોમને / સંવાદ / જ્વલંત છાયા


ઓશોને તેમના નિત્યક્રમ મુજબ એક જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યો હતો, ‘મને પ્રેમના બદલામાં પ્રેમ મળતો નથી. જ્યારે હું કોઈને ગળે મળવા ઈચ્છું છું ,ત્યારે સામેવાળી વ્યક્તિ પોતાની જાતને દૂર કરી દે છે. આવું કેમ?’ ઓશોએ તો ઉદાહરણો, દૃષ્ટાંતો સહિત દીર્ઘ જવાબ આપ્યો હતો, પરંતુ તેનો સાર એવો છે કે પ્રેમમાં હંમેશાં આપણી ઈચ્છા, આપણી લાગણી, માંગણી કરતાં સામેવાળાની લાગણી અને સ્થિતિનો ખ્યાલ કરવાનો હોય છે, ઓશોએ આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે કોઈને આલિંગન આપવાની, ગળે મળવાની ભાવના જાગી એ ઘણું શુભ છે ,પણ સામેવાળી વ્યક્તિ પણ ઈચ્છે છે કે નહીં તે પ્રથમ ફરજ છે. જો ઈચ્છા વિરુદ્ધ આલિંગન આપી બેસો તો પછી પ્રેમ ક્યાં છે? એ તો અત્યચાર થઇ જાય! પ્રેમનો અર્થ જ એ છે કે અન્યનું ભલું ઇચ્છવું, અન્યને તેનું સ્વાતંત્ર્ય આપવું, શક્ય તેટલું તેનું ભલું કરવું અને વળી ભલું ન થાય તો કંઈ નહીં ,પરંતુ તેને કોઈ નુકસાન તો આપણાથી ન જ થવું જોઈએ.

એ જિજ્ઞાસુ અને અન્ય શ્રોતાઓને ઓશોએ કહ્યું હતું કે પ્રેમમાં સાત રંગ છે. કામથી લઈને રામ સુધી, પ્રેમ એક ઇન્દ્રધનુષ છે ,પણ તે કોઈ શરીર, કોઈ મેળાપ કોઈ શરતનો ઓશિયાળો નથી... પ્રિયજનનું હોવું, તેનું અસ્તિત્વ જ સામેના માણસ માટે, પ્રેમ કરનાર માટે શુભ છે, આવું ઘણું એમણે કહ્યું હતું અને પ્રેમ વિશે આમ પણ ઓશોએ અઢળક વાતો કરી છે. જેનો અંશ પણ જીવનમાં ઉતરે તો પ્રેમ વિશેની ઘણી ગેરસમજો અને એ ગેરસમજને લીધે વધતી વ્યથાઓ ઓછી થઇ જાય !

મૃત્યુ પછી પ્રેમ એક એવો વિષય છે જે ગૂઢ છે, ગહન છે, રસપ્રદ છે, વર્ષોથી ચર્ચાતો આવ્યો છે, લખાતો આવ્યો છે. હરીન્દ્ર દવે કહેતાં કે પ્રેમ અને મૃત્યુ એ બેય મારા પ્રિય વિષયો છે, જેમ મૃત્યુ વિશે અનેક ચિંતનિકાઓ અને મતમતાંતરો છે તેમ પ્રેમ વિશે પણ ઘણું છે, સાચો પ્રેમ શું છે તે અભિવ્યક્તિ કરતાંય તે વધારે અનુભૂતિનો વિષય છે. આમ જુઓ તો પ્રેમનાં ટ્યુશન ક્લાસ ન હોય, ને પ્રેમમાં કેમ પડવું તેની પુસ્તિકા કે ગાઈડ ન હોય. કારણ પ્રેમમાં પડવાનું ન હોય, ઉપાડવાનું હોય, પરંતુ એરિક ફ્રોમ નામના એક લેખકે તો એક પુસ્તક લખ્યું છે ‘આર્ટ ઓફ લવિંગ’. એટલે કે પ્રેમની કળા. વર્ષો પહેલા લખાયેલા આ પુસ્તક પછી કંઈ પ્રેમ વિશેની માન્યતાઓ અને ગેરસમજો ઓછી થઇ નથી.

પ્રેમની આમ કોઈ ભાષા નથી, પરંતુ દુનિયાની કોઈ ભાષા એવી નહીં હોય જેમાં પ્રેમ વિશે કંઈ લખાયું નહીં હોય ! પરંતુ પ્રેમને લોકોએ એ રીતે જોયો છે, વિકાર અને અવનવા વિચારોનાં ગ્લાસના ચશ્માં ચડાવી પ્રેમને જોયો છે. કેટલેક અંશે સાહિત્યકારોએ અને મોટા ભાગે હિન્દી ફિલ્મોએ પ્રેમ શબ્દ અને પ્રેમનાં ખ્યાલને એવો મરડી નાખ્યો છે કે હવે આત્મીય પ્રેમ, પ્લેટોનિક લવ જેવા શબ્દો ભારે લાગે છે. હિન્દી ફિલ્મના કે ચીલાચાલુ સાહિત્ય કૃતિનાં પ્રેમને બદલે એરિક ફ્રોમે જે પ્રેમની વ્યાખ્યા આપી છે એ કંઈ જુદી છે.

પોતાના પુસ્તક આર્ટ ઓફ લવિંગમાં એરિક ફ્રોમ પ્રેમની વિભાવનાને વિસ્તૃત રીતે વર્ણવે છે ! તેઓ કહે છે, "મોટા ભાગના લોકો પ્રેમની વાત – મુખ્યત્વે બીજા આપણને ચાહે એ દૃષ્ટિએ જ જુએ છે, પોતે બીજાને ચાહે એ દૃષ્ટિથી કે પોતે બીજાને ચાહવાની શક્તિ કેટલા કેટલા પ્રમાણમાં ધરાવે છે એ સમસ્યાને જોતા નથી."

આપણને થાય કે નાટક શીખવા કે ચિત્રકળા કે કમ્પ્યુટર શીખવાના પુસ્તક હોય, પ્રેમના કંઈ પુસ્તક હોય? સાચી વાત. પ્રેમ તો આપણા આંતરતત્વના હિમાલયમાંથી પ્રગટતી ગંગા છે, તે નદી છે, નહેર નથી અને નહેરની યોજનાઓ હોય, નદીઓ તો તેની રીતે જ આગળ વધે છે, પણ મનોવૈજ્ઞાનિક અને સામાજિક ચિંતક એરિક ફ્રોમ કહે છે, ‘પ્રેમમાં કશું શીખવવાનું હોય નહીં એવું વલણ સામાન્ય રીતે લોકો ધરાવે છે. લોકો ધારે છે પ્રેમ સાવ સરળ છે, પરંતુ યોગ્ય પાત્ર દ્વારા ચાહવા યોગ્ય બનવું તે મુશ્કેલ છે. આ વલણ પાછળ આધુનિક વિકાસ સાથે સંકળાયેલા કેટલાંક કારણો રહેલાં છે.’

સામાન્ય ખ્યાલ પ્રમાણે પ્રેમ એટલે કોઈ બે વ્યક્તિ સાથે હરેફરે, સાથે રહે અને પછી સમાજને ખોટું ન લાગે એટલે પરણી જાય. એને વળી કહે છે, ‘લવ મેરેજ.’ લવ મેરેજ શબ્દ ઘણો જ છેતરામણો છે કારણ, જો ખરેખર પ્રેમ હોય તો પરણવાની, સાથે જ રહેવાની, શરીર ભોગવવાની જરૂર નથી. અને જો પ્રેમ ન જ હોય તો સાથે રહેવાનો શો અર્થ? પ્રેમ એટલે કોઈ ક્યાંક આપણી રાહ જુએ છે કે નહીં? આપણને મળે છે કે નહીં? આપણી સાથે વાત કરે છે કે નહીં? આપણે કહીએ તેમ કરે છે કે નહીં? તે પ્રેમ તેવી જો માન્યતા હોય તો આ જરાય પ્રેમ નથી, પ્રેમ તો છે પૂર્ણ સ્વતંત્રતા, સામેની વ્યક્તિનું જેમાં કલ્યાણ હોય, જેમાં તેની ખુશી તેમજ પ્રગતિ હોય તેવું ચિંતન અને તે દિશામાં તેને લઇ જવાના અગર મોકલવાના પ્રયાસ' એટલે જ પ્રેમ'

એરિક ફ્રોમ કહે છે પ્રેમમાં પડવાની શરૂઆતની લાગણી અને સતત પ્રેમમાં હોવાની લાગણી વચ્ચે ગૂંચવાડો ઉભો થાય છે, અજાણી બે વ્યક્તિ એકાએક નજીક આવી જાય. બંને એક હોય તેવી લાગણી અનુભવે તે એક હોવાની લાગણી આનંદદાયક છે તેમાંય જો જાતીય સંબંધોનું આકર્ષણ ભળે તો સંબંધ જાદુમય બની જાય છે, પણ આવાં સંબંધો લાંબો સમય ટકતા નથી. જાદુઓ સરે છે.

એક બીજાથી વિરોધી વલણો, અતિ પરિચયથી વધતો કંટાળો, બધું પ્રારંભમાં જન્મેલી લાગણીઓને કચડી નાખે છે. પ્રેમ જેવી પવિત્ર, આત્માનો પ્રકાશ જેવી બાબતને લોકોએ ખાસ કરીને ફિલ્મના પડદાએ માત્ર બે શરીરના સંબંધમાં માર્યાદિત કરી દીધો છે. અને તેને લીધે જ બળાત્કાર, પ્રેમ વિચ્છેદ અને આત્મહત્યા જેવી બાબતોને વર્તમાનપત્રોમાં મોટું મોટું સ્થાન મળે છે, પણ ફ્રોમ કહે છે, "જાતીય સમાગમ જુદાઈ પર વિજય મેળવવાનો કુદરતી અને સરળ ઉપાય છે, એકલતાની સમસ્યાનો આંશિક ઉપાય છે. પ્રેમવિહોણો જાતીય સંબંધ જુદાઈની લાગણીમાંથી છુટકારો અપાવી શકતો નથી. બે વ્યક્તિ વચ્ચેનું અંતર માત્ર ક્ષણિક ઘટે છે."

અગાઉ કહ્યું તેમ પ્રેમ એવો શબ્દ છે જેના મનગમતા અનેક અર્થ લોકોએ કર્યા છે, અને આ શબ્દ ઘણો વગોવાયો છે. એરિક ફ્રોમ કહે છે, "એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના મિલનને આપણે જો પ્રેમ કહીએ તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. જોડાણ તો ઘણી રીતે થઇ શકે છે, બધા સ્વરૂપોને પ્રેમ કહી ન શકાય."ફ્રોમ પ્રેમને સિમ્બાયોટીક જોડાણ ગણાવે છે, જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને જાત સમર્પિત કરી દે છે.

પ્રેમ એ કોઈ અસ્પષ્ટ બાબત નથી, તે ચોક્કસ અનુભવ છે. પ્રેમ સર્જનાત્મક હોવો જોઈએ. માતા અને સંતાન, યુવક-યુવતી કે મિત્ર-મિત્ર, પાત્રો ભલે જુદા હોય પણ પ્રેમનું તત્વ તો એક જ છે.પ્રિય પાત્ર માટેની કાળજી, પ્રેમમાં જવાબદારી, પ્રિય પાત્ર માટેની સંપૂણઁ લાગણીઅને સમજ આ ચાર બાબત વગર જે હોય તે બીજું ગમે તે હોય પણ પ્રેમ તો ન જ હોય.

જ્યારે કોઈની સાથે પ્રેમનો અનુભવ થાય, ત્યારે સામી વ્યક્તિની તમે અત્યંત કાળજી લેતા હો, જવાબદારી લેતા હો તો તે સૂચવે છે કે પ્રેમ એ માત્ર શરીરનું આકર્ષણ, મોહ કે વાસના નથી. એરિક ફ્રોમ કહે છે, ‘પ્રેમ જવાબદારીથી ક્યારેય અલગ ન હોઈ શકે.’

માત્ર એ એક વ્યક્તિ જ નહીં તેના પરિવાર, તેના સ્વજનો વિશે પણ પછી વિચારવાની જવાબદારી બની જાય છે. જો તમે પ્રેમ કરતા હો તો સારી હોટેલમાં પ્રેમપાત્રને જમાડવાથી દિલ આકારનાં પેકિંગવાળી ગીફ્ટ આપવાથી કે શારીરિક નિભાવ કરવાથી પ્રેમ કરીએ છીએ તેવું કહેવાય નહીં. પ્રેમ જેને કરતાં હોઈએ તેની માનસિક, આધ્યાત્મિક શક્તિ ખીલે તે જવાબદારી પણ પ્રેમની છે ! પ્રેમમાં પડવાની વાત સાથે એરિક ફ્રોમ સંમત નથી. તેઓ કહે છે કે પ્રેમમાં તો માણસ ટટ્ટાર ઊભો રહે છે. પ્રેમની પ્રક્રિયાની મુખ્ય લાક્ષણિકતા લેવાની નહીં પરંતુ આપવાની વૃત્તિ છે.

એરિક ફ્રોમે પોતાના પુસ્તક 'આર્ટ ઓફ લવિંગ'માં પ્રેમના વિવિધ સંબંધો વિશે પણ સમજ આપી છે. માતા-પિતાનો પ્રેમ, ભ્રાતૃપ્રેમ, માતૃપ્રેમ અને વિજાતીય પ્રેમ. સમાજને પણ અન્ય પ્રેમ સામે તો વિશેષ વાંધો નથી ,પરંતુ વિજાતીય પ્રેમ હંમેશાં લોકોની વિપરીત બનતો આવ્યો છે? એરિક ફ્રોમ કહે છે કે અન્ય પ્રેમ એક વ્યક્તિ પરનો માર્યાદિત નથી. વિજાતીય પ્રેમમાં સ્થિતિ જુદી છે, તેમાં સાર્વવિકતાને અવકાશ નથી, પ્રેમનું આ સ્વરૂપ છેતરામણું છે.

તેઓ કહે છે, ‘જો પ્રેમીજનનું વ્યક્તિત્વ ઊંડાણવાળું અને અનેકવિધ અનુભવોથી સમૃદ્ધ હોય તો સામું પાત્ર તેનો કદી પાર પામી શકે નહીં અને તેણે રોજેરોજ નવી રીતે અજાણી દીવાલો પાર કરવી પડે, પરંતુ મોટા ભાગના લોકોનું વ્યક્તિત્વ એવું સમૃદ્ધ નથી. આવી સ્થિતિમાં એકબીજાની જુદાઈ મટાડવા શારીરિક સંબંધોનો સહારો લેવાય છે.

લગ્ન કર્યા હોય તેના માટે મઢાવીને રાખવા જેવા શબ્દો એરિક ફ્રોમે લખ્યા છે, ‘વિજાતીય પ્રેમમાં શારીરિક સંબંધ એક પૂરતો મર્યાદિત રહે તેવો પ્રતિબંધ છે, પણ તેથી કરીને એ બે જણાનો પ્રેમ હુતાહુતી પૂરતો મર્યાદિત બની જાય તો તેમાંથી એક બીજા પરનો માલિકી ભાવ જન્મે છે, એકબીજાનાં પ્રેમમાં લીન પ્રેમીજનો જો બીજા કોઈને ચાહે જ નહીં તો તેમનો પ્રેમ એકમાંથી બે સુધી વિસ્તરેલો અહમનો વિસ્તાર જ છે. તેઓ એકબીજા સાથે દેખાતા હોવા છતાં એકબીજાથી જુદા છે.’

વિજાતીય પ્રેમ એક વ્યક્તિ પૂરતો માર્યાદિત છે પણ એ એક વ્યક્તિમાં સમગ્ર વિશ્વ આવી જતું નથી. દરેક યુગલે એકમેકને ચાહીને સમગ્ર સૃષ્ટિને ચાહતા શીખવું જોઈએ. દામ્પત્યજીવનમાં શારીરિક સંબંધ એક પૂરતો મર્યાદિત હોય પણ પ્રેમ તો સર્વ જીવંત પ્રાણીઓ પ્રત્યે વિસ્તરેલો જ હોય તેવું હું નહીં એરિક ફ્રોમ કહે છે ! ૨૯ માર્ચ એટલે એરિક ફ્રોમનો જન્મદિવસ. ફ્રોમ જેવા ચિંતકો ઓશો જેવા દાર્શનિકો પ્રેમ વિષે ઘણું કહે. દરેક ભાષાના કવિઓ તેના માટે કવિતાઓ લખે તોય પ્રેમ એ એવો અનુભવ છે જે શબ્દો દ્વારા ક્યારેય વ્યક્ત ન થાય. સાચો પ્રેમ હોય તો ‘નિષ્ફળ’ જવાની વાત જ નથી ,પણ પ્રેમ સાથે દુઃખ ત્યારે જોડાય છે જ્યારે માણસ પોતાના અસ્તિત્વ, પોતાની અઢળક અસ્કયામતો કે પોતાની સઘળી વાતો કરતાં કોઈને ચાહતો હોય, કોઈનાં શરીરની સુંદરતાને ગૌણ ગણી આત્માને ચાહતો હોય છતાં તેના દુઃખમાં સહભાગી ન બની શકે, કોઈ વસ્તુની કે વ્યક્તિની પ્રાપ્તિ ન થવાથી દુઃખ થાય તે માણસનું સામાન્ય લક્ષણ છે, પરંતુ પ્રાપ્તિની ઝંખના ન હોય માત્ર વ્યાપ્તિ હોય અને અતિલાગણી હોવા છતાં કોઈના આંસુ લૂછવાનું વિધાતા જ્યારે માણસનાં ભાગ્યમાં ન લખે ત્યારે માણસ યુદ્ધ કેડી બનીને રહી જાય છે.

જે એરિક ફ્રોમની વાતો આપણે વાંચી. તેણે કહ્યું છે તેના કરતાં પણ કદાચ સર્જનાત્મક પ્રેમની અનુભૂતિ ઘણી તીવ્ર હોય છે. તેમના પુસ્તક 'આર્ટ ઓફ લવિંગ'નો અનુવાદ પણ ઉપલેટાના ડૉ.અમૃત રણીંગાએ ‘પ્રેમની કળા’ નામે કર્યો છે. જો તમે કોઈના પ્રેમમાં પડ્યા હો તો પણ આ પુસ્તક વાંચજો, પ્રેમને તરાશવાનો મોકો મળશે, પ્રેમ ન થયો હોય તોય વાંચજો એટલે ભૂલ ન થાય !


0 comments


Leave comment