25 - બની જઉં પવન / શોભિત દેસાઈ


બની જઉં પવન, વૃક્ષમાં શોધું શરણું,
સુખે ઝૂલતી આ લતાઓને પરણું.

અહો ! જોઈ લો ! સૂર્ય જન્મે એ પહેલાં,
ગગન પૂર્વનું થઈ ગયું રક્તવરણું.

ત્વરા સામેના સર્વ અવરોધ તોડી,
નર્યા પથ્થરોમાંથી ફૂટે છે ઝરણું.

શિકારી થવાનું થતું મન પળેપળ,
છે સસલું ત્વચા, આંખમાં બેઠું હરણું.

નિબિડ અંધકાર આખો પર્વત ગળી જાય,
છતાં ત્યાં હજી કેમ દેખાય તરણું ?


0 comments


Leave comment