4.3 - પલળેલો પુરુષ સેક્સી ન હોઈ શકે ? / સંવાદ / જ્વલંત છાયા


અડધો અષાઢ જતો રહ્યો હોય, સામાન્ય માણસ અને કિસાનોની આંખની પ્રતીક્ષાનું રૂપાંતર ધીમે ધીમે ઝળઝળિયામાં થઇ રહ્યું હોય, રિસાયેલા કે ‘સોરી આપણે નહીં મળીએ’ એમ કહી દેનારા પ્રેમીની જેમ વરસાદે હજી ધરાને મિલનનો કોલ આપ્યો હોય, પણ ક્યારેક સમય ચોરીને છુપાઈને મળતાં યુગલની જેમ વરસાદ થોડું થોડું આવીને જતો રહેતો હોય, અને સાંજે કે બપોરે વરસાદ પડ્યો હોય તેના બીજા દિવસે આવતાં વર્તમાનપત્રોમાં બે વાત નક્કી હોય. એક તો એ ભીનું આવશે કારણ કે ઘરના ફળિયા કે બાલ્કનીમાં પાણી છે, અને બીજું એ કે તેમાં ભીંજાયેલી છોકરીની તસવીર હોવાની જ. વરસાદ પડે પછી કોઈ પણ ભાષાનું અખબાર જો જો, તેમાં જો માણસનો ફોટો હશે, તો એ માદા-સ્ત્રી-છોકરી જ હશે, કાં તો છત્રી કાગડો થઇ ગઈ હોય કાં તો ટ્રાન્સપેરેન્ટ કુર્તી ભીનાં શરીરને ચોંટી ગઈ હોય, વાળની લટ ભીના ગાલ પર હોય, કેમેરા સારો હોય તો જળબિંદુઓ હોઠ, ચહેરા પરથી ઊતરીને ગળા સુધી પહોંચ્યા હોય... વરસાદી સીઝનમાં આવાં ફોટોગ્રાફ્સ હોય અને તેના પર કોઈ અર્ધકવિ પત્રકારે લખ્યું હોય, ‘મને ભીંજવે તું.’

આ કોમન બાબત છે, પરંતુ કોઈ દિવસ વિચાર્યું કે કેમ પલળેલી છોકરીઓ જ દર્શાવવાની? ફોટો જર્નાલિસ્ટની આંખ કે લેન્સ કેમ નારીના ભીનાં અંગો જ શોધે? પલળેલો પુરુષ સેક્સી ન હોય? જેમ પુરુષને સ્ત્રી વિવિધ રીતે, જુદી જુદી કલ્પનાઓથી જોવાની ટેવ હોય તેમ કોઈ દિવસ સ્ત્રીને એવું નહીં થતું હોય કે કોઈ છોકરાનું ભીનું શરીર તેને જોવા મળે ?પલળેલી છોકરી કે સ્ત્રીને પીળી સાડી કે વ્હાઈટ ડ્રેસમાં કલ્પવા કે દર્શાવવા જેવી ઉત્કંઠા ૧૮-૨૦ કે ૨૮ વર્ષના કોઈ છોકરાને દર્શાવવામાં કેમ હોતી નથી? આપણે ત્યાં રહેતી છોકરીઓને ‘ઓમ શાંતિ ઓમ’ના શાહરુખ કે અક્ષય કે ઋત્વિક (રોશન) ને જ ભીનો થયેલો જોવાનો? શેરીમાં રહેતી, બસસ્ટેન્ડ પર ઊભતી ગામની જ કન્યાની જેમ ગામનો જ જુવાન કેમ આવી રીતે જોવા મળે નહીં? તેના માથાના કર્લીવાળ ભીનાં હોય, જુવાનીનાં દસ્તક જેવા વાળ છાતી પર ઊગ્યા હોય, એ ગૌર છાતી ફાડીને તેનું પૌરુષ જન્મી રહ્યું હોય, વરસાદમાં પલળેલા તેના હોઠ વગર લિપસ્ટિકે વધારે ગુલાબી થઇ ગયા હોય, કાનની બૂટ પરથી પાણીનાં ટીપાં પડતાં હોય, કાર્ગોપેન્ટ ભીનું હોય અને પલળેલા વ્હાઈટ શર્ટમાંથી જિમમાં રોજ કસાતું-ઘસાતું તેનું શરીર દેખાય તેવું ન બને? આ ગર્લ અને ગે બંને માટેની વાત છે !

વાંક કાંઈ કોઈ ફોટોગ્રાફરનો નથી. આ તો જૂનું છે, પરંપરાગત હશે. આપણે ત્યાં પ્રેમ, ઈશ્ક, લવ, સુંદરતા જેવી બાબતોના વર્ણનનો પ્રવાહ એકમાર્ગીય છે. પુરુષોએ કવિતાઓ, ચિત્રો, વાર્તાઓમાં સ્ત્રી વિશે, તેની સુંદરતા વિશે અઢળક કામ કર્યું છે. બહુ ઓછી મહિલા સર્જકોએ પોતાના પ્રેમ કે પુરુષનાં સૌંદર્યનું વર્ણન કે અભિવ્યક્ત કર્યા છે. સામે ભઈલાઓએ અભિવ્યક્તિ માટે એક પણ માધ્યમ બાકી રાખ્યું નથી. ઉત્તમ સાહિત્ય કે શિલ્પથી લઇ વલ્ગર જોક્સમાં સ્ત્રીઓને સ્થાન છે. પ્રત્યેક ભાષામાં તેવી અભિવ્યક્તિ છે. કહેવત હોય કે કોમેન્ટ, સ્ત્રી તેમાં હોય જ. લેખક થિયોફાઈલ ગોતીયરે કહ્યું છે, ‘હું મહિલાઓને પ્રેમીઓની નહીં પરંતુ શિલ્પીની આંખથી જોઉં છું.’

સંસ્કૃતમાં જિનદત્તસૂરિના વિવેક વિલાસમાં હેમંત ઋતુચર્યા વિશે એક શ્લોક છે. યુવતી સાંગરાગા ચ, પીનોમાતપયોધરા શીતં હરતિ શય્યા ચ, મૃદૂષ્ણસ્પર્શશાલિની. એટલે કે હેમંત ઋતુમાં શરીર પર સુગંધી અંગરાગ લગાડેલી તથા પુષ્ટ અને ઊંચા સ્તનથી ચિત્તને ખેંચનારી તરુણ સ્ત્રી અને કોમળ તથા ઉષ્ણ સ્પર્શવાળી શૈયા એ બંને ઠંડી દૂર કરે છે. કાલીદાસે પણ કેવા વર્ણન કર્યા જ છે ને ? ‘સખી અનસૂયા આ પ્રિયંવદાએ બહુ ખેંચીને વલ્કલ બાંધ્યું છે, મને જકડી લીધી છે, એને જરા ઢીલું કરને. પ્રિયંવદા કહે છે, ‘તારાં સ્તનોને ફુલાવનારા તારા યૌવનને દોષ દે ને!’ તો બચ્ચને પણ ગાયું, ‘પ્રેયસી યાદ હૈ વહ ગીત? ગોદ મેં તુજકો લેટા કર, કંઠ મેં ઉન્માત્ત સ્વર ભર, ગા જિસે મૈને લિયા થા સ્વર્ગ કા સુખ જીત.’ અને તેમણે ગાયું, ‘ઇસ પાર પ્રિયે મધુ હૈ તુમ હો, ઉસ પાર ન જાને ક્યાં હોગા ?’

આવા તો હજારો ગીત મળે જેમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે નારીનું સૌન્દર્ય વર્ણવાયું હોય. પુરુષ આ કરી શકે છે, કરે છે. આપણે ત્યાં તો સ્ત્રી કે છોકરીઓ આવી કોઈ અભિવ્યક્તિ ઓછી કરે છે. અમૃતા પ્રિતમ અપવાદ છે. તેણે પ્રેમને દેહથી પર કહીને શબ્દદેહ આપ્યો છે. હા, પશ્ચિમમાં કોઈ કોઈ એવી વાતો કરે છે. હેનરીટ્ટા ટીર્કસ કહે છે, ‘અ જેન્ટલમેન ઈઝ અ પેસન્ટ વુલ્ફ’ – સારો માણસ શાંત વરુ જેવો છે.’ અને એન લેન્ડર્સનું ખતરનાક ક્વોટ છે, ‘સ્ત્રીઓ સેક્સ વિશે બે પ્રકારે જ ફરિયાદ કરે છે, કાં તો કહે છે સંતોષ નથી કાં તો કહે છે બહુ સંતોષ પડતું છે !’ પુરુષનાં પ્રેમ વિશે રશિયાના કેટરીન બીજાનું અવલોકન, ‘પુરુષ વીસ વર્ષની ઉંમરે તરત પ્રેમ કરે છે, પરંતુ ૩૦ નો થાય ત્યારે વધારે સારી રીતે પ્રેમ કરે છે !’

ભીની છોકરીનો ફોટો છપાય છે, ભીનો છોકરો જોવા માટેની આઝાદી ક્યાં? આપણે ત્યાં પુરુષ અંદર હોય તેવી કલ્પના મર્યાદિત છે, શાસ્ત્ર હોય કે ઈતિહાસ, પુરુષ કાં તો અશ્વવિદ્યામાં પારંગત હોય કાં વીર યોદ્ધો હોય, બાણાવળી હોય કે ગદાયુદ્ધમાં પ્રવીણ હોય, સોહામણો યુવક આપણા સંદર્ભોમાં ક્યાંક જ દેખાય છે. ગ્રીક દેવતાની જેમ તેની પાસે બ્રેઈન, બ્રોન્સ અને બ્યૂટી મીન્સ, કુશાગ્ર બુદ્ધિ, શરીરસૌષ્ટવ અને સુંદરતા હોય તેવા વર્ણન ઓછા છે. ગ્રીકમાં પેરિકલસ છે, એડોનીસ છે અને પોતાના જ પ્રેમમાં આસક્ત નાર્સિસસ છે.

આપણી દ્રષ્ટિએ સ્ત્રી અને સ્ત્રીની દ્રષ્ટિએ પુરુષ બંનેની કલ્પના – પુરુષોએ કરી લીધી છે. સેક્સ અને પ્રેમ જેવી વિભાવનાઓ છોકરીઓનાં એન્ગલથી જુદી હોય છે, છોકરીઓને સેક્સઅપીલ હોય છે તો છોકરાઓમાં મેલ અપીલ હોય છે. ચંદ્રકાન્ત બક્ષીએ લખ્યું હતું, ‘મેલ અપીલ એટલે? મારી આંખોમાં એક દિવસની વધેલી દાઢી વાળો પુરુષ સેક્સનો દેવતા છે. એના જેટલું ખૂબસુરત, ઇચ્છનીય, શયનીય સેક્સપ્રાણી બીજું એકેય નથી.’

હા, પણ એવું બને છે, શું હોય છે છોકરીની કલ્પના ? મેલ અપીલ શું છે? ઉંમરનો બાધ હોય? ના. ક્યારેક ન હોય. હમખયાલ હોય, હમ જજબાત હોય, તેની સાથે માત્ર ફેમિલી કે પ્રોફેશનલી નહીં, રુચિની વાત થાય, ગમતા-સરખા શોખ શેર થાય. એ શોખને એ ટેલેન્ટને તે સમજે, ત્યાં હેન્ડસમનેસ કે ડ્રેસીંગ સેન્સ કે બાઈકનો રંગ જેવી બાબતો ટકતી નથી. શું જોઈએ છોકરીને, સ્ત્રીને? ફક્ત શયનખંડ ? ના, અને એક બીજી વાત, એવી માન્યતા છે કે બેડરૂમ બંધ થાય એટલે તેમાં સેક્સ જ હોય, ના સેક્સ ક્યારેક આખી જિંદગી પ્રાયોરિટી પર હોતું નથી, માણસને એક દિલ છે તો બે મગજ છે અને ડૉ.પ્રકાશ કોઠારી કહે છે કે સેક્સ બે પગ વચ્ચે નહીં, બે કાન વચ્ચે છે. પુરુષને આકર્ષક બનાવે છે ખેલદિલી, ઉદારતા, હુંફાળું વ્યક્તિત્વ. કમ્પેનીયન હોય કે કર્મચારી, પોતાને સમજી શકે તે પુરુષ છોકરીને ગમે. કેરિંગ હોય અથવા કેરિંગ હોવાનો દેખાવ કરી શકે એ છોકરો ગમે ! અહીં વાત છે, છોકરીની દ્રષ્ટિએ છોકરો, સ્ત્રીની દ્રષ્ટિએ પુરુષ. કદાચ, વ્યક્તિ તેટલા જવાબો હોઈ શકે. વાત ભીના પુરુષની, તો ફ્રેન્ડઝ, પ્રત્યેક પુરુષ અંદરથી ભીનો જ હોય છે, વગર ચોમાસે પણ ભીનો હોય, એક પ્રવાહ તેનામાંથી વહેતો હોય અને વહેલો પ્રવાહ ક્યારેય એમ ન જોવે કે આ પથ્થરને પલાળું ને આને કોરો રાખું. કેમ કે પ્રત્યેક આંખને તેની ભીનાશ હોય છે, પરંતુ ભીનાશને આંખ નથી હોતી. તે તો વહે છે, પ્રસરે છે.


0 comments


Leave comment