42 - પરવીન શાકિરની જબાનમાં ગુજરાતી ગઝલ / શોભિત દેસાઈ


અશ્રુ સરતાં તું જે બોલ્યો એ બધું સાચું છે ?
નેહ ઝરતાં તું જે બોલ્યો એ બધું સાચું છે ?

બુદબુદા જેવા હતા શબ્દ છતાં, કાગળની
નાવ તરતાં તું જે બોલ્યો એ બધું સાચું છે ?

તારી વાણીની ધ્રુજારી છે બહુ આકર્ષક,
સાવ ડરતાં તું જે બોલ્યો એ બધું સાચું છે ?

એ હતું હાથમાં તારા કે રહ્યો હોત તું મૌન,
એના કરતાં તું જે બોલ્યો એ બધું સાચું છે ?

કોઈ શીખે તારી પાસેથી કલા આ મોહક,
તારો ખરતાં તું જે બોલ્યો એ બધું સાચું છે ?

માનવા માટે હું મજબૂર બનું બસ એ ક્ષણે,
આંખ ફરતાં તું જે બોલ્યો એ બધું સાચું છે ?

તારી દીવાનગી લઈ જાશે તને ક્યાં ? છે ખબર ?
મને સ્મરતાં તું જે બોલ્યો એ બધું સાચું છે ?


0 comments


Leave comment