43 - ત્યારે આવજે / શોભિત દેસાઈ


શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જ્યારે તારાથી સહેવાય ત્યારે આવજે.

હમણાં તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં,
આયનો જોઈ તને તરડાય ત્યારે આવજે.

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર,
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ-સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.

હું નહીં આવી શકું મારા અહમને છોડીને,
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.


0 comments


Leave comment