4.4 - પુરુષ અને સેક્સ : કોઈ કાયમ કેમ જોતા હોય છે ! / સંવાદ / જ્વલંત છાયા


‘બાય વન ગેટ ફાઈવ ફરી’ જેવી ગારમેન્ટ કંપનીઓની સ્કીમ કે મોબાઈલ ફોનના સતત અપડેટ થતા વર્ઝનની જેમ ગોલ્ફર ટાઈગર વુડના સેક્સ પ્રકરણો બહાર આવ્યા હતાં. ટાઈગર એવી પહેલી વ્યક્તિ નથી કે જેના બેડરૂમની અંદર દુનિયાની આંખો પહોંચી ગઈ હોય. આ પ્રકરણ આઠમી અજાયબી નહોતી તેમ છતાં ડીશ-ગોલો જીભ અને હોઠથી ચૂસે તેમ લોકો આ સમાચારનો ‘રસ’ આંખથી પી રહ્યા હતાં. એક કરતાં વધારે છોકરીઓ સાથેના સૂવાના સંબંધોની કુટેવને લીધે અંતે ટાઈગરે ઊઠી ગયો છે, અને આર્થિક-સામાજિક નુકસાન તે સહી રહ્યો છે. ટાઈગર અહીં એક બેવફા પતિ, છેલબટાઉ યુવક, પ્રેમીના રૂપમાં બહુરૂપી કાંઈપણ છે. સૌ સૌની દૃષ્ટિ. પણ એ એક પ્રતીક છે પુરુષનું. શું બધા પુરુષો આવા હોય? ના, પણ પુરુષો આવા હોઈપણ શકે.

પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી પ્રાણી હોવાનું માન ધરાવતો માનવી વિકાસ અને સભ્યતાની સાથે સાથે કુદરતી રીતે સેક્સથી અથવા સેક્સના કુદરતીપણાથી દૂર થતો ગયો. એ ટીકાનો વિષય હોય કે ન હોય, પરંતુ વાસ્તવિકતા તો છે જ. એટલે જ આપના ઉદભવ વિકાસ અને જગતના સંચાલનમાં અનન્ય રીતે જોડાયેલા આ સેક્સ કામ, રતિના રમણને આપણે અલગ આંખથી જોવા લાગ્યાં. સેક્સની વાતમાં બધીર માણસના કાન પણ સરવા થઇ જાય. ટાઈગર પુરુષત્વનું પ્રતીક નહીં. પુરુષની સાયકોલોજીનું પ્રતીક છે. એક આદર્શ, એક સામાજિક બંધારણ કે ઈમોશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઇને કે પછી છેવટે એઇડ્સથી બચવાની દૃષ્ટિએ પણ ધ્યાન રાખીએ તો સ્ત્રી હોય કે પુરુષ એકથી વધારે વ્યક્તિ સાથે સેક્સ્યુઅલ સંબંધો અયોગ્ય છે. વફાદારી, મૂલ્યો, સંસ્કાર એવું ઘણું બધું છે કે જે કપડાં ઊતરે એ પહેલાં ઊતરી જાય, પરંતુ એ આખો ખ્યાલ, વિભાવના માણસે અને તેના સમૂહે રચ્યો છે. કહેવાનો અર્થ એ નથી કે બધું ફગાવીને જાતીય અરાજકતા ફેલાવી દેવી, પરંતુ આવા બહુગામી, બહુ આયામી સંબંધો જો ક્યાંય હોય તો તેનું પરિણામ કે એક પરિપ્રેક્ષ્ય કદાચ પાપ હોઈ શકે, તેના કારણમાં પાપવૃત્તિ નહીં, પરંતુ સંપૂર્ણપણે માણસની, પુરુષની અંદરની-ઇનબિલ્ટ યુગોથી પડેલી આપવૃત્તિ છે !!! આખરે લાઈફ, લાઈફ છે યાર !

એક જ વ્યક્તિ સાથે સેક્સ, અન્યથા ક્યાંય નહીં એવું સ્ત્રી માટે શક્ય છે, - એવું માનવામાં આવે છે, પરંતુ પુરુષ જો... ધ્યાન આપજો, જો એક કરતાં વધારે સ્ત્રી-છોકરી સાથે શરીર સંબંધ રાખે તો તે સામાજિક દૃષ્ટિએ સારું નથી, પ્રેમના ત્રાજવામાં એ બાબત યોગ્ય નથી, પરંતુ કુદરતનાં ક્રમમાં તે સહજ છે. જેને આજના યુગમાં મલ્ટિપલ રિલેશનશિપ કહેવામાં આવે છે. તેવા આ બહુગામી સંબંધોનાં તાણાવાણા કાંઈ આજના છે? ફેશન શો કે વેલેન્ટાઇન ડેનો વિરોધ કરનારા કટ્ટરવાદીઓએ સદનસીબે કાલિદાસને વાંચ્યા નથી અને પુરાણો જોયા નથી. માણસે વૃત્તિઓને કાબૂમાંરાખવી જોઈએ, સ્થિરતા જાળવવી જોઈએ એ બધું બરાબર છે, પરંતુ સેક્સનો પાવર, પ્રવાહ એવો જોરદાર હોય જે યુગોનું તપ પળમાં તાણી જાય. વિશ્વામિત્ર અને મેનકાનું ઉદાહરણ હાથવગું છે. પાંડુના કિસ્સામાં શું હતું? દ્રૌપદીનાં પતિવ્રત કે આજ્ઞાપાલનને પણ કોઈ ધારે તો મલ્ટિપલ રિલેશનશિપનું નામ આપી શકેને? જોકે એ તો લગ્ન હતાં અને આપણે ત્યાં આ એક લેબલ હોય એટલે બાકીનું બધું જ આપોઆપ પવિત્ર.

સ્પોર્ટ્સમેન હોય કે કલાકાર, સંગીતકાર હોય કે સાહિત્યકાર, સેક્સ્યુઅલ રિલેશનશિપનાં ‘પ્રકરણો’ થી કોઈ પર નથી. કેટલાં નામો? સૌરાષ્ટ્રના યુવા રાજા કલાપીનું જીવન જાણીતું છે. તો ચિત્રકાર પિકાસોની લાઈફના કેનવાસ પર અનેક સ્ત્રીસંબંધોનાં રંગના લસરકા હતાં અને તેને અનેક સ્ત્રીઓને તરછોડી પણ હતી. બેરહેમીથી યહૂદીઓને મારનાર હિટલરે આત્મહત્યા પોતાની પ્રેમિકા સાથે કરી હતી અને તેને પ્રેમપત્રો લખનારી અનેક સ્ત્રીઓ હતી. ચાર્લી ચેપ્લિન સાથેના સંબંધને લીધે લીટા નામની છોકરી પ્રેગનન્ટ બની પછી તેના લગ્ન ચાર્લી સાથે થયા, પરંતુ એ પૂર્વે ક્લેઅર વિન્ડસર, મેં ફ્રોલિન્સ, પોલા નાગરી જેવી સ્ત્રીઓ સાથે ચાર્લીના સંબંધો હતાં જ. ચોથી પત્નીરૂપે જે છોકરી ચાર્લીના જીવનમાં આવી તે હતી ઉના ઓનીલ. બંને સંપર્કમાં આવ્યાં ત્યારે ચાર્લી ૫૪નાં હતાં, ઉના ૧૭ વર્ષની.

ચિંતક બર્ટ્રાન્ડ રસેલનું જીવન સ્ત્રીઓ સાથેના સંબંધોથી ભર્યું ભર્યું નહીં, ભરચક હતું. તેઓ કહેતા, ‘સ્ત્રીઓ સાથેના પ્રણયાનુભૂતિએ મારી સમજણ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરી છે. આજે હું જે કાંઈ છું તેનું શ્રેય આ સ્ત્રીઓ સાથેનો સંપર્ક છે.’ રસેલ હોય કે રવીન્દ્રનાથ, રાજ કપૂર હોય કે પંડિત નહેરુ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન હોય કે જે. કૃષ્ણમૂર્તિ. આ મહાન નામો છે અને તેમના જીવનમાં એક કરતાં વધુ સ્ત્રીઓ હતી. અહીં આવા સંબંધોને ગ્રાન્ટેડ કરવા-કરાવવાનો ઈરાદો નથી. અરે સફળ-ક્રિએટીવની વાત પછી, પુરુષ માત્ર માટે આવા સંબંધો શક્ય છે, સેક્સ પાપ ક્યારે છે? જ્યારે તેમાં બળજબરી કે શોષણનું તત્વ ભળે, છેતરપિંડી હોય કે પછી સંમતિને બદલે શરણાગતિ હોય તો પાપ છે, અન્યથા પુખ્ત વયની બે વ્યક્તિ કાંઈ પણ કરે એ કાનૂની અપરાધ હોઈ શકે, પાપ ન કહેવાય. હા, વુડ્સ જેવા કિસ્સાની વાત અલગ છે. બાકી સમાજના સામાન્ય સ્તરે મલ્ટિપલ રિલેશનશિપની તાળી જો સંભળાય તો તે તેમાં એક હાથ હોતો નથી. સેક્સ માટે લગ્ન જરૂરી છે એવું આપણે માનીએ છીએ, સારી વાત છે, પરંતુ લગ્ન સેક્સ પર જ ટકે તેવું નથી. લગ્ન સંબંધમાં જીવતા સ્ત્રી કે પુરુષ અન્ય સંબંધમાં જીવંત રહેતા હોય એવું પણ બને અને પુરુષ માટે વિશેષત: બને. એટલે વુડ્સ કે એવા અન્ય લફરાબાજોમાંથી પ્રેરણા લેવાની જરૂર નથી, અનેક સંબંધો એ આપણી પરંપરા નથી, પણ થોડા વિશાળ ફલક પર જોવામાં આવે તો પુરુષ કે સ્ત્રી કોઈપણ માટે આવા સંબંધ ક્યારેક જરૂરત હોય છે, ક્યારેક લાચારી, ક્યારેક જીવનની વસંત. જે વર્ષોમાં ન પામે તે કોઈ માણસ અન્ય પાત્ર પાસે ક્ષણોમાં મેળવતો હોય એવું શક્ય છે. ચિનુ મોદીનો એક શેર છે, ‘કોઈ કાયમ કેમ જોતા હોય છે, આપણા ક્ષણ ક્ષણનાં દોષો હોય છે.’ મરીઝ કહે, ‘છે સ્ખલન બે ત્રણ પ્રસંગોનું મને એ તો કબૂલ, કોણ જાને કેમ આખી જિંદગી બદનામ છે.’ બ્રહ્મચર્યનાં ઉપદેશોને લીધે સેક્સ પરહેજની બાબત બની ગઈ છે. શરીરને કંટ્રોલમાં રાખી શકો, મન કાબૂમાં રહે? ‘મહાપુરુષો’ની વાત અલગ છે. પુરુષો શું કરે? અને સ્ત્રીઓ તેનું શું? તેની ઈચ્છાઓ? બાત નિકલેગી તો દૂર તલાક જાયેગી. સમાજની રીતે સ્ત્રીઓ મર્યાદાનું પ્રતીક છે, સાયકોલોજી એવું નથી માનતી કે લેડીઝની જાતીય ઈચ્છા ઓછી હોય, પરંતુ આપણે એને કેવો ડ્રેસ પહેરવો એ સંદર્ભે પણ ઓશિયાળી રાખી તો બિચારી પસંદગીનાં પાર્ટનરની વાત ક્યાંથી કરે ?


0 comments


Leave comment