57 - નીતર્યું નિર્દોષ રોવાના / શોભિત દેસાઈ


અશ્રુઓથી આંખ ધોવાના દિવસ ચાલી ગયા,
નીતર્યું નિર્દોષ રોવાના દિવસ ચાલી ગયા.

કાલીઘેલી એ પળોને કેટલાં વરસો થયાં ?
એક ચહેરો સામે હોવાના દિવસ ચાલી ગયા.

યાદના પર્દા ઉપર આજેય આવો છો તમે,
આંખ દ્વારા તમને જોવાના દિવસ ચાલી ગયા.

પુખ્ત પાકટતા પ્રતિદિન પહેરતી આ ઉમરનાં,
કોણ કરવાનું અછો વાનાં ? દિવસ ચાલી ગયા.

ઓછું બોલું છું, ચકાસી લઉં છું ચારે કોરથી,
મન અજાણ્યા જણમાં ખોવાના દિવસ ચાલી ગયા.


0 comments


Leave comment