58 - સો ગણું કરવાનું રહેવા દે / શોભિત દેસાઈ


સીધું તું શૂન્યમાંથી સો ગણું કરવાનું રહેવા દે,
અણુમાંથી અચાનક તું ઘણું કરવાનું રહેવા દે.

કબર છે સાવ ટાઢી ને મળી છે જીવને ભોગે,
તું તારી ટેવ માફક તાપણું કરવાનું રહેવા દે.

તૂટી જાશે બધા ટાંકા તિમિરના સ્પષ્ટતા સાથે,
રહે તું મૌન, તું મોંસૂઝણું કરવાનું રહેવા દે.

દિલાસા છે નકામા, અંતે તો મારે સહ્યે છૂટકો,
છે કેવળ મારું એને આપણું કરવાનું રહેવા દે.

બધા આ બંધ લોકોમાં ખૂલી જાવું નથી સારું,
તું આ ભીંતોની વચ્ચે બારણું કરવાનું રહેવા દે.


0 comments


Leave comment