59 - ચૈત્રની ચાંદની રાતના સમ તને / શોભિત દેસાઈ


એને કંડારીને કેદખાનું દીધું, ખુશ છે પૂજાનો પથ્થર થઈને;
ચારેબાજુથી ઊભરાય ખાલીપો, શું મેળવ્યું એણે ઈશ્વર થઈને ?

સાવ પર્વત, નદી, પાંદડાં, પુષ્પ, વનના ખજાનાની વચ્ચે પડી’તી,
મુકત આળોટવાની મજા ખોઈ નાખી હવાઓએ પગભર થઈને.

આ અબોલા આ મોસમમાં સારા નથી, કોઈ શોષાય છે, કૈં ખબર છે ?
ચૈત્રની ચાંદની રાતના સમ તને, આવ ને ! પ્રેમનો જ્વર થઈને !!

કોઈને સહેજે અણસાર આવે નહીં એવો આનંદ આ પરપીડનનો !
લાગે લોકોની સાથે છીએ પણ હકીકતમાં રહીએ સુખનવર થઈને.

સ્પર્શથી જાત અળગી કરીને પૂછ્યું : ‘કેટલી શુદ્ધ છે લાગણીઓ ?’
એકબીજાને માપ્યા બહુ ઝીણવટથી અમે, દેહથી પર થઈને.

ના ‘ભયાનક’ ન ‘ સુંદર’ બન્યું કાંઈ પણ, આ અનુભવ રહ્યો મોત પશ્વાત્,
ટ્રેનમાં જાણે બેસી ગયા હોઈએ કૈં અગમના મુસાફર થઈને.


0 comments


Leave comment