5 - તીરથવાસી પહોંચ્યા છે પુર વિશે / નરસિંહ મહેતા


રાગ કેદારો

તીરથવાસી પહોંચ્યા છે પુર વિશે, દ્વારકા નગર સુખધામ ભાળ્યું,
નાહવું છે ગોમતી, નિરખવા જદુપતિ, રાય રણછોડને ચરણ ચિત્ત ઘાલ્યું. ૧

લીધો પ્રસાદ ને મંનમાં હરખિયા : ‘ચાલો, જઈ બેસીએ મધ્ય-ચૌટે,
શામળશા શેઠની પેઢીએ ભેટીએ, ધન્ય ઘડી આપણે ભાગ્ય મોટે. ૨

ચોકમાં કોઈ નાણાવટી-કોથળી, એક વણિકને પૂછ્યું તેડી,
‘નરસૈંયો નાગરે ગઢ થકી મોકલ્યા, શામળશાની કોણ છે રે પેઢી ? ૩

‘પરદેશી ભાઈઓ ! સાંભળો વીનતી, શામળશાનું નથી અહીં રે નામ,
નાણાવટીમાંહે નથી કો ઓળખાતું, નથી રે પેઢી ને નથી રે ઠામ. ૪

કોણ નાગર એવો ઠગ મળ્યો તમને, જેણે તમ દોકડા લીધા ખાળી ?
ધાઓ ઉતાવળા, જાઓ તમો ગઢ ભણી, મળો જઈ ચોરને લ્યોને ઝાલી. ૫

સાંભળી વાત ને ધરણી ઉપર ઢળ્યા, શીશ ધ્રુણાવીને થયા રે બેઠા,
‘અરે દેવ ! તેં અમને આ શું કર્યું ? શોકસાગર માંહે પંથી પેઠા. ૬

એક કહે : ‘કોઈ અવરને પૂછીએ, ભક્ત ખોટી નવ લખે રે ચીઠી,
ફરી વળ્યા ઘેર ઘેર, હાટ ને ઝૂંપડી, શામળશાની ભાળ કહીં ન દીઠી. ૭

‘પ્રથમ દુષ્ટ મળ્યા તિહાં જે નાગરો, તેણે આપણશું કૂડ કીધું,
તિલક-છાપાં કરી, કપટે માળા ધરી, તેને આપણું ધણ સંકોડી લીધું. ૮

નીચાં મંદિર ના હોય નાણાવટી, કપટભર્યો મુખ બોલે રામ,
આપણું ધન તે લેઈ તારા ખરચિયું, કૃષ્ણ દેવાળિયો એનું નામ. ૯

પગની પનોતીએ રડવડ્યા આપણે, ચાલવું ગઢ ભણી.’ – નિશ્વે કીધું :
‘નરસૈંયો નામ જપો, એ રખે વીસરો : નીરખ્યા રણછોડને કારજ સીધ્યું.’ ૧૦


0 comments


Leave comment