3 - સ્વસ્તિ શ્રીમંત શુભ સુભગ દ્વારમતી / નરસિંહ મહેતા


રાગ કેદારો

‘સ્વસ્તિ શ્રીમંત શુભ સુભગ દ્વારમતી, રાય રણછોડને કરું પ્રણામ,
સાગરબેટમાં ઠેઠ મધ્યે વસો, શામળા શેઠ પ્રસિદ્ધ નામ. ૧

પરમ પૂજનીય સંપૂજ્ય કમળાપતિ, સકળગુણસંપન્ન વિશ્વસ્વામી,
અરચનિયામણ પરધાન છો જગતમાં, જગતબંધુ પ્રભુ અંતરજામી. ૨

ઉત્તમોત્તમ છો વળી તમે વરણમાં, ઉપમાજોગ કો નહીં રે જોડે,
શેઠ શ્રી પાંચ, તે મુખ થકી શું કહું ? એક અનંત છો એક હોડે. ૩

લિખિતંગ દાસ ચરણરજ નરસૈંયો, રાજ મહારાજ શિરછત્ર મારે,
કોટિ પ્રણામ કરી ચરણકમળે નમું, વીનતી ધરજો, પ્રભુ ! શ્રવણ તારે. ૪

અત્ર છે ક્ષેમ ને કુશળતા તમ લહુ, જે થકી પરમ સંતોષ પામું,
સમાચાર શ્રીરંગ મહેતાના સાંભળી દેહ તણાં દુક્રિત કોટિ વામું. ૫

તીરથવાસી જે આવિયા તમ ભણી, રૂપૈયા સાતસેં અમને દીધા,
દીધા છે દોકડા, લીધા છે રોકડા, સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા. ૬

પત્ર વાંચી-કરી તર્ત દેજો ગણી, (જેમ) આડત આપણી જાય ચાલી,
ચોકમાં આવીને કાંટે ચડાવીને, પારખી રોકડા દેજો ટાળી. ૭

પત્ર લખાવીને પહોંચનો મેલજો, જાણશું એ જ એંધાણી સાચી,
શેઠના ગુણ ઉપર નરસૈંયો રીઝશે, નાચશે પત્રને વાંચી વાંચી.’ ૮


0 comments


Leave comment