4.6 - સૂફી વિચાર, સૂફી સંગીત : એક જ થવાનો અર્થ હવે પ્રેમ પ્રેમ પ્રેમ...../ સંવાદ / જ્વલંત છાયા


‘ધ્યાન લગ જાતા હૈ, ઇબાદત શરૂ હો જાતી હૈ.... અપને આપ આંખે બંધ હો જાતી હૈ સૂર સુરૂર હો જાતા હૈ... સુરૂર દેહ કી મટ્ટી પાર કરકે રૂહ મેં સમા જાતા હૈ....,’ અલૌકિક અનુભવ તરફ અંગૂલિનિર્દેશ કરતા આ શબ્દો યાદ છે ? આંખને તેનું સ્મરણ નથી કારણ કે તે ક્યાંય વાંચેલા યાદ નથી. આપણા કાનને તેની સ્મૃતિ છે. ‘કબીર બાય આબિદા’ નામના મ્યુઝિક આલ્બમમાં ગુલઝારે કરેલા કમ્પેયરિંગના આ અંશ છે. એક આલ્બમ પૂરતા તે આબિદા પરવીન માટે જ બોલાયા છે, પરંતુ તેને જ સુસંગત હોય તેવું નથી.

જ્યાં જ્યાં સૂફી સંગીત, સૂકી ગાયકીની વાત આવે ત્યાં એવું જ વાતાવરણ સર્જાતું હોય છે... ‘ધ્યાન લગ જાતા હૈ, ઇબાદત શરૂ હો જાતી હૈ....’ સૂફી સંગીત, સૂફી ધૂન જેવા શબ્દો સંગીતનો થોડો પણ શોખ ધરાવતાં લોકો માટે આજે મૂખવગા છે, પરંતુ જે સૂફી સંગીત ફિલ્મો કે મ્યુઝિક શોમાં પણ આપણે સાંભળીએ છીએ તે તો સપાટી છે. અરે! એવી ઘટના છે કે માણસ દરિયાકિનારે ઊભે અને લહેરો તેના પગને પલાળે છે. સૂફી સંગીત તો એ મહાસાગર છે, જેમાં તરવા કરતાં ડૂબવાની મજા વધારે છે અને તો જ રત્નોનો ઝળહળાટ પામી શકાય છે.

બારેક સૈકાઓથી વહેતા આ પ્રવાહને આજે આધુનિકતાના રંગ અપાઈ રહ્યા છે. એટલે એ સંગીત લોકભોગ્ય બની ગયું છે, અન્યથા આજે મોબાઇલ ફોનના મેમરી કકાર્ડ કે ડાયલર ટોનમાં સંભળાતી એ બંદિશો–શબ્દો માટે ટાર્ગેટ ઓડિયન્સ હતું તો એક ને એક માત્ર અલ્લાહ; સૂફી વિચારધારાના ઉદ્દભવ પાછળ સાવ આછી એક ઉપરછલ્લી દ્રષ્ટિ કરીએ તો હિન્દુ ધર્મમાં જૈન વેદ ઉપરાંત ઉપનિષદો દ્વારા ઈશ્વરની કલ્પનાનું વિરાટ ચિત્ર મુકાયું. બૌધ ધર્મમાંથી વિધિવિધાનોને એક તરફ રાખી જેમ દિશાંતર કરી એક વર્ગે જૈન સંપ્રદાય સ્થાપ્યો એવી જ રીતે કુરાનની શરિયતોને ચુસ્ત રીતે અનુસરવાને બદલે કોઈ ચેતના સ્થાપવાને આ સૂફી વિચારનાં બીજ રોપ્યાં.

ઇન્ટરનૅશનલ સૂફી કૉન્ફરન્સના જનરલ સેક્રેટરી સૈયદ રફીકશા મલંગ કહે છે "હઝરત મહંમદ પયગંબર જયારે પણ ઇબાદતમાં બેસતા ત્યારે હિન્દુસ્તાન તરફ મુખ રાખીને બેસતા અને ત્યાંની આબોહવા તેમણે આકર્ષતી." તેમણે અમારા બુઝૂર્ગોને કહ્યું, "જાઓ અને પ્રેમનો સંદેશો ફેલાવો" અને બસ ત્યારથી આ ધર્મ પૈગામ એ મુહોબ્બતનો ફેલાવો કરી રહ્યો છે. સૂફી શબ્દનું સરળ વિસ્તૃતિકરણ વિદ્નાનો જે રીતે કરે છે તે મુજબ આ એક એવી પદ્ધતિ છે કે અનુયાયીને કાંઈ જ બદલવાનું કહેતી નથી અને એ અનુયાયી પણ કોઈ સ્થિતિને બદલવા હવાતિયાં મારતો નથી. સૂફીઝમ એટલે ન તો વ્યક્તિ કોઈ માલિકીભાવ રાખે કે ન કોઈ તેના પર માલિકીપણું રાખે... અને આવી ઉમદા વિચારધારામાં સંગીત મુખ્ય અંગ બનીને રહી ગયું. ઇસ્લામની એક પૌરાણિક કથા તો એવી છે કે પૃથ્વી સજૉય એ પૂર્વે ન જન્મેલા આત્માને ગેબી તત્વે પૂછ્યું, ‘શું હું તારો અલ્લાહ નથી ?’ એ સ્પંદન એ સ્વર એ ધ્વનિ જાણે પ્રગટ્યાં તેમાંથી સંગીતનો ઉદ્દભવ થયો છે.

આ તો શસ્ત્રોની વાત છે જે સૂફીતત્વ આપણે અનુસરીએ છીએ તે તો સૂફીઓના સંગીત અને કવિતામાં છે. સદીઓ પછી પણ આ વર્તમાન સમયમાં તે ધૂન હૃદયસ્પર્શી લાગે છે તેનું કારણ એ છે કે તેમાં ભારોભાર શુધ્ધિ સમર્પણ ને પરમને પામવાની ઇપ્સા છે. આજેય ખુશરો કે બુલ્લેશાનો કોઈ કલામ, કોઈ કવ્વાલી કોઈ પણ ધર્મની સંવેદનશીલ વ્યક્તિને આકર્ષે છે. ગરીબ નવાઝને થયેલી અરજ કોઈ પણ ધર્મના માણસના હૃદયના તાર ઝંકૃત કરીને જાય છે અને આ વર્ણનની નહીં અનુભવની વાત છે... સાંપ્રદાયિક ચશ્માં ઉતારીને નરી આંખે જોઈએ તો ખ્યાલ આવે કે સૂફી સંતો અને હિન્દુઓના ભક્ત કવિઓની ઉપાસના, રચનાઓમાં કેટલું બધું સામ્ય છે ? અને બન્નેએ સંગીતને માધ્યમ રાખ્યું છે.

સાધકો–સૂફી સંતો માટે સંગીત મનોરંજનનું માધ્યમ નથી. તે સાધ્ય નથી સાધના છે. મૂળ ઇસ્લામ માને છે સંગીત માણસને બહેલાવે છે, જે વિલાસ છે, સૂફીઓ માટે તે વિલાસ નથી. આપણે ઝાકઝમાળ લાઇટો વાળા મ્યુઝિકલ શો, સ્ટેજ શો કે ફિલ્મમાં અઇટમ સંગીતની જેમ ઘુસાડાતાં ગીતોના સ્તરે સૂફી સંગીત મૂકી દીધું છે. એરકન્ડીશન્ડ સલૂનમાં ફેશિયલ કરાવતાં કરાવતાં સાંભળવાની આ ચીજ નથી સૂફી સંગીતનો અર્ક આરાધના છે આછકલાઇ નહીં !!! અરબી ભાષામાં એક મુહાવરો છે મકા ઝમાઇકવાન એટલે કે સમય, સ્થળ અને લોકો – સંગીતમાં એ ત્રણેયનું મહત્વ છે. સૂફીમાં ગાનાર – સાંભળનાર બન્ને માટે તરિકા છે. ઇસ્લામના ટ્રેડીશનલ શાસ્ત્રોમાં તેના વર્ણન છે. રૂઝબિહાન બકલી નામના વિદ્રાને સૂફી સંગીતની આચાર સંહિતામાં સ્પષ્ટ કર્યું છે કે ‘ઇન્દ્રિયોથી સંગીત સાંભળનાર નાસ્તિક છે, બુદ્ધિથી સાંભળે તે ભાષ્યકાર છે. હૃદયથી સંગીત માણનાર નિરીક્ષક ખોજી છે અને આત્માથી જે સંગીત સાંભળે તે ખરો જ્ઞાની–મારીફ છે.’ ગાનાર–સાંભળનાર બન્ને માટે અહીં એક શિસ્ત છે. સૂફી સંગીતનો ખરો શ્રોતા ક્યારેય પલાંઠી વાળીને કે પગ લાંબા રાખીને સંગીત નહીં સાંભળે. મહેફિલ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી તે ગોઠણભેર જ બેસશે. સાંભળવાની-લિસનિંગની આ પ્રક્રિયાને સમા કહેવાય છે. મૂળ સૂફી સંગીતમાં આટલા બધા વાંજિત્રો ક્યારેય નહોતાં. તંબુર (તંબુરો નહીં) રબાબ અને બરુના વૃક્ષના છોડમાંથી બનતું વાદ્યને જેવાં વાદ્યોના સૂરતાલથી બંદગી સમાન બંદિશો ગવાતી–વાગતી. આજે પણ જો કે સૂફી કવ્વાલી જે પરંપરાને ચુસ્ત રીતે વળગી રહે છે તેમાં એક એ પણ છે કે સંગીતની શિક્ષા પૂર્ણ કર્યા પછી એ પહેલું પરફૉમન્સ હઝરત નિઝામુદ્દીબ ઓલિયાની દરગાહ પર જ આપે !!

સાંભળનારની જેમ કેટલીક બાબતોનું ધ્યાન ગાનારે પણ રાખવાનું હોય છે. મસ્ત મનોરંજન અને ફિલ્મોને જિવાડી જનાર કવ્વાલીના પણ કેટલાંક વિધિવિધાન છે. સૂફી સંગીતની મહેફિલ ચાલું હોય, ત્યારે કોઈ શ્રોતા જો વજ્રદ એટલે કે ચેતનાની, સમાધિની અવસ્થામાં જાય તો ગાયકની કસોટી થાય છે જે શબ્દ કે જે પંક્તિથી વજ્રદ શરૂ થઇ હોય તે જ શબ્દ જ્યાં સુધી તે વ્યક્તિ સમાધિમાંથી, ધ્યાનમાંથી પરત ન આવે ત્યાં સુધી કવ્વાલે ગાયે રાખવી પડે, તે આગળ ગાઇ શકતા નથી. આવો ઐતિહાસિક કિસ્સો છે. ઈ.સ. ૧૨૩૫માં એક મોટો જલસો હતો કવ્વાલ અહેમદે જામ અને સાથીઓ કવ્વાલી પેશ કરી રહ્યા હતા, અને ચિશ્તી કુત્બ અલદીન બખ્તિયાર કાકી શ્રોતામાં હતા. અચાનક જ શબ્દો–ધૂન રૂહને સ્પર્શ્યા અને કાકી ધ્યાનસ્થ થઈ ગયા. કવ્વાલે ત્યાં જ અટકીને ગાવાનું ચાલું રાખ્યું. ત્રણ દિવસ સુધી એમ જ ચાલ્યું, કાકીના મુરીદો–શિષ્યોએ વિનંતી કરી કે તમે આગળ રાખો... પણ સમય જતો રહ્યો હતો એ જ અવસ્થામાં કુત્બુઅલદીન કાકી વફાત પામ્યા.

અંગાગના રૂંવાડા ઊભાં કરી દે તેવા આ કિસ્સામાંથી ઇવાદતના લોબાનની ખુશ્બૂ તો આવે જ છે, પરંતુ એક પ્રકાશ પણ ફેલાતો દેખાય છે. નરસિંહ મહેતા એ મશાલને પકડી હતી અને રાસલીલા જોતાં જોતાં હાથ ક્યારે સળગ્યો તેની ખબર પણ ન પડી. એ મશાલનો પ્રકાશ દેખાય છે. આ જ મુખ્ય વાત છે સૂફી સંગીત–શાયરી હોય કે આપણું ભક્તિ સંગીત. સપાટી પર બન્ને જુદાં લાગે, વિધર્મી લાગે, પરંતુ અંદર એક જ છે અને આ કોઈ ઠાલી, દંભી બિનસાંપ્રદાયિકતાની સુંવાળી વાત નથી. લેટ્સ ગો થ્રુપ વેરી ફયુ, એક્ઝામ્પલ્સ. આબિદા પરવીને અમીર ખુશરોની રચનાને પોતાના બુલંદ, ઇબાદતી, અલૌકિકતાની કડી જેવા કંઠમાં પેશ કરી છે, ‘જિસ ને દેખા મરહી ગયા તેરે ચશ્મે સિયાહી મેં હે જાદુ, ગૈર કા ધોખા મુજ કો ના દે તુજ મેં ઓર મુજ મેં હૈ તું....’ આવી વાત ક્યાંય સાંભળી છે ? હા, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ શું શબ્દ બોલે...’ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપ અનંત ભાસે... કેવલા દ્રૈત–અદ્રૈત વાદની જે ફિલૉસૉફી નરસિંહ મહેતાએ ટાવર્સ કાંઈ દેખાય તેવાં ન હોય !!! અમીર ખુશરોની જ એક રચના વારસી બ્રધર્સે ગાઈ છે ‘રૈન બિન જગ દુઃખી, સો દુઃખી ચંદ્ર બિન રૈન સાજન તું બિન મૈ દુઃખી, દુઃખી દરસ બિન નૈન...’ જસ્ટ રિમેમ્બર, ‘દર્શન દો ઘનશ્યામ નાથમોરી અખિયાં પ્યાસી રે...’ ‘દયા કરી શિવ દર્શન આપો...’ આ જ સેન્સમાં આબિદા પરવીનના વધુ એક કલામને લઈએ ‘આજ રંગ હૈ... રૈની ચિઢ રસૂલ કી રંગ મૌલા કે હાથ, જિસકી ચુનરી રંગ દી ધનધન ઉસકે ભાગ, મોરા મન પિહુ કા ઓ દોનો એક હી રંગ...’ કાંઈક એવું જ ગાયું છે, અનૂપ જલોટા એ ‘શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા’ અને એક મસ્ત ઉદાહરણ. જાફર હુસૈનખાન બદાયુની ઍન્ડ પાર્ટીએ ગાયેલી એક રચનાનું હઝરત નિઝામુદ્દીન માટે ગાયેલી તેમની રચનાના શબ્દો છે... ‘સૂરત કે બલહારિ નિઝામ તોરી...’ આ શબ્દો જુઓ. હવે આ જ રચના સાંભળવા મળે તો સાંભળજો, એની ધૂન પણ કેટલી સમાન છે, એ એક જ ઢાળ–રાગ છે– ‘મુખડાંની માયા લાગી રે મોહન પ્યારા...’ ‘સૂરત કે બલહારિ ખ્વાજા નિઝામુદ્દીન...’ આવું સાંભળીએ તો એક ધ્વનિ એવો પણ સંભળાય કે ‘અધુરમ્ મધુરમ્, વંદનમ્ મધુરમ્ મધુરાધપિતે અખિલમ્ મધુરમ્...’ નુસરત ફતેઅલી ખાનની ગાયેલી પ્રસિદ્ધ રચના છે, તુમ એક ગોરખધંધા હો.... કભી યહાં તુમ્હેં ઢૂંઢા, કભી વહાં પહોંચા... હોભી નહીં ઓર હર જગહ હો... તુમ એક ગોરખધંધા... એજ ગુજરાતી ભજનમાં એનું અનુસંધાન આઘેઆઘે મળે છે, ‘હરિ કીર્તનની હેલી રે મનવા હરિ કીર્તનની હેલી એવી અકળ અલૌકિક લીલા કોઈએ નથી ઉકેલી મનવા...’

તાત્પર્ય એ છે કે ઈશ્વરને ભજવા માટે જે કોઈએ ક્યાંયથી કાંઈ પણ કહ્યું તે આખરે એકસરખું જ છે. આપણે ત્યાં વિષ્ણુ સહસ્ત્રનામ છે, શિવ મહિમ્ન સ્ત્રોત્ર છે જેમાં ઈશ્વરનો મહિમા છે. ઇસ્લામમાં અલ્લાહના ૯૯ નામો એક સાથે બોલવાનો એક પ્રકાર છે. આ ૯૯ નામોના રેસિટેશનને જિક્ર કહે છે અને તે સૂફી ગાયકીનો એક પ્રકાર પણ છે. કોઈ જ પ્રકારના સંગીત–વાજિંત્ર વગર આ નામો બોલવામાં આવે ત્યારે તેમાંથી નેચરલ રિધમ, કુદરતી લય પ્રગટે છે... લા ઈલલ્લા ઈલલ્લાલાહ.. આપણે ત્યાં એક વિભાવના છે.

અહમ્ બ્રહ્માસ્મિ હું ઈશ્વર છું – ઇસ્લામમાં અલહિજાજ મન્સૂરે કહ્યું, અનલહક હું જ ખુદા છું. જો કે રૂઢિવાદીઓ – એ અલહિજાજને હલાલ કરી નાંખ્યા હતા !!

પ્રેમલક્ષણા ભક્તિની જે વાત હિન્દુ ભક્ત કવિઓની રચના–વિચારધારામાં છે તે વાત સૂફીઓમાં છે એ લોકો ઈશ્વરના રૂપમાં મહેબૂબાની ખોજ કરતા આવ્યા છે. ઈશ્ક સૂફીઓનો મંત્ર છે અને એટલે જ સૂફી સંગીત આપણને આહલાદક લાગે છે. સૂફી વિચારધારા માટે રાજેન્દ્ર શુક્લનો એક શેર ક્વોટ કરી શકાય... ‘શબ્દો રટું સતત કે રહું માત્ર મૌનભેર એક જ થવાનો અર્થ હવે પ્રેમ પ્રેમ પ્રેમ...’ એક તરફ આજે આંતકવાદને પણ ઇસ્લામનો એક ચહેરો ગણાવાઈ રહ્યો છે, ત્યારે એક આ સ્વરૂપ પણ છે જે સદાય મુહોબ્બતનું મહાત્મ્ય સમજાવતું આવ્યું છે. કદાચ સૂફી સંગીત આજે આ અર્થમાં ઘણું જ રિલેવન્ટ અને એક ફેવિકોલની ભૂમિકા રચી શકે તેમ છે.

સદીઓથી આ ખોજ ચાલી છે. સૂફીઝમના માત્ર અભ્યાસુ જ નહીં ,પરંતુ તેના અનુભૂતિ વિશ્વમાં લટાર મારનાર ભાવનગરના સુભાષ ભટ્ટ કહે છે સૂફીઓનું મોટાભાગનું સર્જન ઈ.સ. ૯૪૮ થી ૧૩૯૦ દરમિયાન થયું અને રૂદકીથી જામી સુધીના શાયરોએ આ પરંપરા સીંચી. સૂફીઓના આમ તો સોએક જેટલા ફિરકા છે તેમાં તીજાની, જરૉહી, નિમ્તુલ્લાહ, કાદરી, નકશબંદી, ચિશ્તિયા મુખ્ય છે અને એ બધામાંથી અબુ સૈયદ, અબીલ ખૈર, અહમદ અલ અલવી, ફરીદઉદ્દીન અતર, હઝરત નિઝામુદ્દીન ઓલિયા, બાબા શેખ ફરીદ હલ્લાજ, અહમદ જામી, બાબા બુલ્લેશા જેવા સંતો–કવિઓએ જે રચનાઓ આપી તેનું નૂર આજેય ઓછું થયું નથી.

લોકો સુધી વધારે પહોંચ્યા હોય તેવાં બે નામો છે. એક તુર્કીના કોનિયાનો જલાલુદ્દીન રૂમિ અને બીજા દિલ્હીના અમીર ખુશરો રૂમિને આપણે પ્રેમના કવિ તરીકે ઓળખીએ છીએ પણ તેની એ રચના પ્રેમિકા માટે નહીં, ખુદા માટેની છે અને અમીર ખુશરોના પરિચયની જરૂર ન હોય. સાયગલથી લઈ જગજીતસિંઘ જે ‘બાબુલ મોર નૈહર છુટા જાય’ ગાઈ છે તે અમીર ખુશરોની રચના છે. સૂફી કવિતાનો પણ અલગ ઢાંચો છે. અહીં ખુદાને પ્રિયતમનું રૂપ આપીને તેની આરાધના થાય છે અને જીવનના રંગો ઉપરાંત મૌતનો તસવ્વુર પણ એવી જ નોખી રીતે થાય છે. ‘ચાર કહાર મિલે મોરી ડોલિયા સજાય... મોરા અપના બેગાના છુટો જાયે...’ ‘ભલા હુઆ મેરી મટકી ફૂટ ગઈ’ વગેરે રચનાઓ જેવાં અનેક ઉદાહરણ છે.

શાયરોની જેમ જ સૂફીમાં ગાયકોની પણ પેઢીઓ છે. રાહત ફતે અલીખાન તો સૂફી સંગીતની શરૂઆત કહેવાય અને આપણે આબિદા પરવીન કે નુસરત ફતેહ અલીખાન પાસે અટકી ગયા છીએ, પરંતુ અસમાન મુસ્તફા, સમંદરખાન, તોતફી બુચમાક, માસાવદાત, વડાલી બ્રધર્સ, સાબરી બ્રધર્સ, રફાકત અલીખાન, મુર્તુજા ગુલામ, કાદિર ગુલામ મુસ્તફા એવાં નામો છે. જેમણે આ સંગીત વર્ષો પછી પણ જગતભરમાં ગૂંજતું રાખ્યું છે અને સંગીતમાંથી જ પ્રગટેલી એક બીજી સૂફી કલા છે નૃત્યુ. ગીત સંગીત તો ઠીક સીડી–ડીવીડીમાં સંભળાય. આ નૃત્યુ જોવા ક્યાં જઈએ ઈજીપ્ત ? ઈસ્તંબુલ ? ના આપણે જોયું છે એ નૃત્યુ, જોધા અકબરની ફિલ્મોમાં ખ્વાજા મેરે ખ્વાજા કવ્વાલી દરમિયાન ઋતિક રોશન જે નૃત્યુ કરે છે તે સૂફી નૃત્યુ છે. એક હાથજમીન તરફ, માથું અને હથેળી આકાશ તરફ... આ સૂફી ડાન્સ છે. તેને વર્લિંગ મેવલેવી કહેવાય છે. આ મેવલેવી દરવીશની શરૂઆત કવિ રૂમિના પુત્ર સુલતાન વલાદે કરી હતી. અને તેમાં પણ જો સામ્ય છે કે નહીં ? હાથમાં કરતાલ લઈને નાચેલા નરસિંહ મહેતા, બંને હાથ ઊંચા કરીને નૃત્યુ કરતા ચૈતન્ય મહાપ્રભુ કે એકતારો લઈને નાચતા મીરાં આ તમામની નૃત્યુશૈલીમાં ક્યાં પાયાનો તફાવત છે ?

સૂફી સંગીત અને શાયરી, વિચારધારાનું આ ફલક વિશાળ છે. તેને માત્ર મુસલમાનોની પરંપરા કે ઇસ્લામની મિલકત માનવાની ભૂલ વર્ષોથી થતી આવી છે, પરંતુ સૂફીઝમ વૈશ્વિક વિરાસત છે. એક સાથે આ બધું જ જોવું–માણવું સાંભળવું હોય તો રૂમિના જન્મસ્થાન કોનિયામાં ઉજવાતા રૂમિ ફૅસ્ટિવલ કે પછી ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે યોજાતા જહાંન એ ખુશરો મહોત્સવમાં પહોંચી જવું જોઈએ. સૂફી વિશ્વ આવા ઉત્સવોમાં જીવંત થાય છે. ફિલ્મમાં સાંભળીને આપણે સૂફીના દીવાના થઈએ છીએ. જો સાચું સૂફી સંગીત સાંભળીએ તો હાલત શું થાય ? એક કશીશ જેમાં છે તે સૂફી વિચારધારાને એવું કહેવાનું મન થાય કે ‘છાપ, તિલક સબ છીનલી રે મો સે નૈના મિલા કે...’ હા, એટલે સુધી કહેવાનું મન થાય કે રૂઢિવાદી ઇસ્લામિકોએ દુનિયાને પોતાના તરફ વાળવી હોય તો તલવાર–બોમ્બને બદલે આ સંગીતનું આયુધ વધારે અસરકારક નીવડી શકે તેમ છે.


0 comments


Leave comment