62 - પાંખો કપાઈ ગઈ છે / શોભિત દેસાઈ


કરશો ન શોક, નબળી બોલી સમાઈ ગઈ છે;
તમને ગમી હતી એ ભાષા ભુલાઈ ગઈ છે.

સાચે જ તું મળે તો સાચે તને કહી દઉં,
આ આદિ અંત વચ્ચે પળ પળ પિસાઈ ગઈ છે.

આકાશ તો મળ્યું પણ ઊડી નથી શકાતું,
પિંજરને તોડવામાં પાંખો કપાઈ ગઈ છે.

સરવૈયું માંડી બેઠા ત્યારે આ તથ્ય જાણ્યું,
એ જિંદગી જ ન્હોતી તો પણ જીવાઈ ગઈ છે.

આશા છે, પંખી ઊડશે કાલે આ રાખમાંથી;
આજે મનુષ્યતા છો થોડી બુઝાઈ ગઈ છે.


0 comments


Leave comment