68 - તરસતા લોકો / શોભિત દેસાઈ


આત્મપૂજાને તરસતા લોકો,
આવે છે સાવ અમસ્તા લોકો.

મારે વરસાદી ખપે છે મોસમ,
માવઠા જેવું વરસતા લોકો !

ડંખ વરતાય બહુ મોડેથી,
કેવી મીઠાશથી ડસતા લોકો !

છે બનાવટ નરી એ બન્નેમાં,
રોતા લોકો અને હસતા લોકો !

યોગાનુયોગ નથી, છે આ પ્રથા,
જ્યાં જરૂરત પડી, ખસતા લોકો.

આ અજબ ખેલ અટકશે ક્યાં જઈ ?
જીવવું મોંઘુ ને સસ્તા લોકો.

વેચવાની છે મફત લાગણીઓ,
તોય પણ ભાવમાં કસતા લોકો !


0 comments


Leave comment