69 - વય ખોઈ બેઠો છું / શોભિત દેસાઈ


અધૂકડી આંખનું અલ્લડ સુરાલય ખોઈ બેઠો છું,
નશાને સ્પર્શથી પરખું, રહે વય ખોઈ બેઠો છું.

સમજદારી વધે છે હર પળે એ શાપ છે કેવો ?
મને ગમતું હતું એ વહાલું વિસ્મય ખોઈ બેઠો છું.

આ ખાલીખમ પ્રતિબિંબોનો લાગે ભાર દર્પણને,
અજાણ્યા ચહેરા સાથેનો સમન્વય ખોઈ બેઠો છું.

વચ્ચોવચ રસ્તાની, એક શબ પડ્યું છે લોહી નીગળતું;
હું લાગણીઓની સાથેનો પરિચય ખોઈ બેઠો છું.

હું હમણાંનો પતાકા ફરકાવું છું ગૌણ વિષયો પર,
વિરલ એક જીત માટેના પરાજય ખોઈ બેઠો છું.


0 comments


Leave comment