70 - એકલો થઈ ગયો / શોભિત દેસાઈ


ક્યાં કશું પણ કરે છે બ્હેકીને ?
કોઈ નાનમ નથી વિવેકીને.

એકલો થઈ ગયો સૂંઘાઈને,
શું મળ્યું’તું કવિને મ્હેકીને ?

ગૂંગળામણ સહન નથી થાતી,
થાય છે, નીકળી જાઉં ઠેકીને.

ઝાળ પ્હોંચાડી છે નિયત સ્થળ પર,
એને, શબ્દોમાં શેકી શેકીને !

દર્દ પડખું બદલતું લાગે છે,
નામ જ્યારે ભૂલું છું છેકીને.

જૂનો ચળકાટ ક્યાંથી મળવાનો !
કાટ ચઢતો રહ્યો છે નેકીને.


0 comments


Leave comment