1 - નાગરી નાતમાં નેષ્ટ નાગર હતા / નરસિંહ મહેતા


રાગ કેદારો

નાગરી નાતમાં નેષ્ટ નાગર હતા, તીરથવાસીએ જઈ પૂછ્યું તેને :
‘કોણે હૂંડી લખે દ્વારકા નગરની ? ચાલો ભાઈઓ, જઈએ દ્વાર એને.’ ૧

(તેતો) બોલિયા ઠગ કરી : ‘ભક્તવત્સલ-હરિ, કોટિધ્વજ નરસૈંયો નામ કહાવે,
આડત ચાલે ધણી, શેઠ સમરથ ધણી, ઓ પેલું હાટ, કીર્તન ગાવે.’ ૨

હરખીને ચાલિયા, ધાઈ મંદિર ગયા, ગાય વેરાગીઓ મળીને ટોળી,
તિલક-છાપાં કર્યા, હરિમંદિરમાં ધર્યા, કૃષ્ણકીર્તનમાં રહ્યા ઝકોળી. ૩

નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં, રિદ્ધિસિદ્ધિ નવ કાંઈ ઘરમાં,
ચોપડા નહીં, નહીં નાણાવટી કોથળી, એકલા મહેતો ગુણ ગાય હરિના. ૪

તિરથવાસી મન માંહે હરખિયા : ‘ધન્ય ઘડી ભાગ્ય, પાવંન કીધા,’
હરખી ઊભો થયો નરસૈંયો ભેટવા : ‘સકળ કારજ મારાં આજ સીધ્યાં. ૫


0 comments


Leave comment