8 - ધન્ય ધન્ય મહેતા ! ધન્ય તું, નાગરા / નરસિંહ મહેતા


રાગ કેદારો

‘ધન્ય ધન્ય મહેતા ! ધન્ય તું, નાગરા ! ધન્ય તે માત જેને ઉદર આવ્યો,
ધન્ય અમ ભાગ્ય જે નિરખિયા નાથને, આપણી સાથે સંદેશો કહાવ્યો. ૧

મળિયા શ્રીજદુપતિ, આપણે ન જાણ્યું રતી, કૃષ્ણજી કર થકી ગયા રે દોડી,
ખરચી રહ્યા સરવ દામની કોથળી, શામળશા શેઠ-શું પ્રીત ન જોડી,’ ૨

ચાલિયા ગઢ ભણી, સમરિયા શ્રીહરિ, નિરખી મહેતાજી આનંદ પામ્યા,
ધાઈ ચરણે નમ્યા : ‘સકળ કારજ સર્યા, આજ સંકષ્ટ અમ સર્વ વામ્યાં. ૩

‘શેઠ સમરથ ધણી, અધિક આપ્યા ગણી,’ માંડીને વારતા સરવ કીધી,
નરસૈંયો ફૂલિયો, અતિ રસ-ઝીલિયો, આપ્યો પ્રસાદ ને માળ દીધી. ૪


0 comments


Leave comment