7 - ધાઈ ભેટ્યા જઈ, પત્ર લીધું વહી / નરસિંહ મહેતા


રાગ કેદારો

ધાઈ ભેટ્યા જઈ, પત્ર લીધું વહી, શીશ ચડાવિયું સારંગપાણિ,
કાગળ વાંચીને નીર નયણે ઝર્યા : ‘શાને આવડું લખ્યું ? અવર જાણી ? ૧

પત્ર લખ્યા તણું કારજ શું હતું ? દેત સંદેશે, નિરધાર જાણો,
નરસૈંયો વાણોતર શેઠથી અધિક છે, હું ને એમાં અંતર ન આણો. ૨

પરદેશી ભાઈઓ ! સાંભળો વીનતી : શામળશાહ છે મારું નામ,
દુરિજન લોક તે અમને શું લહે ? અહીંયા પ્રસિદ્ધ છે મારું ધામ. ૩

ગાંઠ છોડી-કરી, મૂઠી લીધી ભરી : ‘ચૂકવી લ્યો, ભાઈઓ ! દામોદામ,
ત્યાર પછે કરું જે કહો તે અમો, અમ સરખું કાંઈ કહેજો કામ. ૪

કરી સલાખ ને કાંટે ચડાવિયા, તાવીને ઠીક કીધા છે રોક,
કરકરા ટાળી નિહાળીને પારખ્યા, સાત-સાતના ગણી આપ્યા રોક. ૫

એકસો ઉપર અધિક આપ્યા ગણી, પ્રાણે પ્રાણે કરી દીધા સાથ,
પહોંચનું પત્ર લખાવીને બીડિયું, સ્વમુખ વચને વળી કહે છે વાત. ૬

‘કામ પડે તિહાં શીધ્ર લખજો વળી, કહેરાવ્યા ઉપર કરશું કામ,
તમો છો શેઠ ને અમો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક કામ. ૭

હું અને તું ક્ષણ એક નથી વેગળા, સાધુસંતથી પલક ન અળગો,
માહરા ભક્તની સાથે હું એમ રહું, જ્યમ પ્રતિબિંબ ત્યમ સંગ વળગ્યો. ૮

એક અધક્ષણ નથી તું રે વેગળો, નરસૈંયો નરસૈંયો – એક ધ્યામ.’
અંતરજામી કહીં અંતર્ધાન થયા, તીરથવાસીને તિહાં આવ્યું જ્ઞાન. ૯


0 comments


Leave comment