74 - હું કોણ છું ? / શોભિત દેસાઈ


કોણ મારા હોવાનો ભ્રમ દે મને ? હું કોણ છું ?
કોણ મારા બદલે જીવે છે મને ? હું કોણ છું ?

કેમ હળવો થઈ રહ્યો છે મારો આ દુ:ખનો સમય ?
કોણ મનગમતાં દરદ આપે મને ? હું કોણ છું ?

જે ક્ષણે જન્મ્યો છું એ ક્ષણથી લઈ આ ક્ષણ સુધી,
આભમાંથી કોણ બોલાવે મને ? હું કોણ છું ?

કાળ માયાવી, હું વારસ અંધનો, સ્થળ જળ બને;
ઘાસ થઈને લીલ ક્યાં ખેંચે મને ? હું કોણ છું ?

આ બધા પ્રશ્નોના ઉત્તર એને માટે છે સહજ
એ તો કૈં સદીઓથી જાણે છે મને ? હું કોણ છું ?0 comments


Leave comment