76 - આવે છે ક્યાંથી ? / શોભિત દેસાઈ


બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,
તિમિર ડરતું રહે છે આગિયાથી.

લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,
મળ્યું છે આભને અંધારું જ્યાંથી.

સુગંધોના, તમે જે મોકલ્યા એ,
લઈ લીધા મેં સંદેશા હવાથી.

અલગ ઊભો રહી જોયા કરું છું,
બધા ક્યાં જાય છે ? આવે છે ક્યાંથી ?

જનારો ક્યારનો ચાલ્યો ગયો છે,
હવે શો ફાયદો ભેગા થવાથી !


0 comments


Leave comment