78 - કૂંડાળું, એક, બે, ત્રણ / શોભિત દેસાઈ


પડ્યો છે જ્યારથી પગ ત્યારની આ વાત ચાલે છે,
કૂંડાળું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ-સાત ચાલે છે.

ન ઇચ્છું સૂર્યને, એક વાર એવી રાત આવી’તી.
હું ત્યાં અટકી ગયો છું ને હજી એ રાત ચાલે છે.

પહેલાં તો થયો હું વેંત એક ઊંચો, પછી ઊડ્યો !
તમારાથી મળી’તી એ હજી ઓકાત ચાલે છે.

છે બસ એવું ને એવું, ઓસર્યું ક્યાં છે કણસવાનું ?
ભરાયા ઘાવ કિંતુ ઘાવના આઘાત ચાલે છે.

નથી હોતાં, છતાં મનદુ:ખ સતત હું મેળવી લઉં છું.
બહુ આળા થઈ જીવવાના ઝંઝાવાત ચાલે છે.


0 comments


Leave comment