2 - ભલે પધારિયા, વૈષ્ણવજન તમો / નરસિંહ મહેતા


રાગ કેદારો

‘ભલે પધારિયા, વૈષ્ણવજન તમો : મુજને કૃતારથ આજ કીધો,’
આપિયાં તિલક ને માળ તુલસી તણી, વિષ્ણુ-ચરણોદક-પ્રસાદ દીધો. ૧

‘કોણ કારજ તમો આવિયા અમ ભણી ? ધન્ય મમ ભાગ્ય જે આવ્યા ચાલી,
ધન્ય તે જંનને, ધાઈ ચરણે નમું, મોકલ્યા જેણે અમ ઘેર ભાળી. ૨

તીરથવાસી તિહાં હરખીને બોલિયા : ‘અમારે શ્રીદ્વારકાનગર જાવું,
નહાવું છે ગોમતી, નિરખવા જદુપતિ, રાય રણછોડને ચરણ ધ્યાવું. ૩

આવિયા તમ ભણી, ગરથ લીજે ગણી, રૂપૈયા સાતસેં એક-થોક,
હૂંડિયામણ (જે) ઘટે તેહ લો રોકડું, દેઈએ પત્ર વાંચીને રોક.’ ૪

‘હૂંડિયામણ મારે નામ છે હરિ તણું, કરવું કારજ તમો સંત જાણી,’
નરસૈંયે ગાંઠડી સાતસેંની ગણી, સમર્યા શ્રીકૃષ્ણ સારંગપાણિ. ૫


0 comments


Leave comment