11 - ચોદિશ જોઉં વાટડી : મારો નાથ ન આવે / નરસિંહ મહેતા


રાગ મલ્હાર

ચોદિશ જોઉં વાટડી : મારો નાથ ન આવે.
મંડળિક ખડગ કાઢી રહ્યો : સમાચાર ન કહાવે. ૧

હઠીલા ! હઠ મેલી દ્યો, હાર આપોને મુંને,
માર્યા પૂંઠે, મારા નાથજી ! ખોડ બેસશે તુંને. ૨

પ્રભુ ! વામનરૂપે બલિ છલ્યો, ધારા ત્રણ પદ કીધી,
ઇન્દ્રને ઇન્દ્રાસન આપિયું, શીખ સહુ કોને દીધી. ૩

મામેરું કીધું ભલું, ગરથ પોતાને નહોતો,
લક્ષ્મી વેગે મોકલી, મુને કીધો સમોતો. ૪

ભામિની-શું રંગે રમે, નરસૈંયો મેલ્યો વિસારી,
વૈકુંઠેથી વેગે કરી હાર આપો, મુરારિ ! ૫


0 comments


Leave comment