4.7 - ... પણ ન માતની ખોટ ભાંગશે..... / સંવાદ / જ્વલંત છાયા


મા, ઉર્દુના સાંપ્રત શાયર મુનવ્વર રાણાનાં કાવ્યસંગ્રહનું નામ મા છે. જેમ કૃષ્ણ વિશે કોઈ કવિએ કવિતા ન લખી હોય એવું ન બને એવું જ કદાચ આ મા બાબતે હોઈ શકે. ખલીલ જીબ્રાને તો કહ્યું હતું, “મારી મા સેંકડો કવિતા જીવી ગઈ, એક પણ કવિતા લખ્યા વગર.” મા-શબ્દ નથી પરંતુ શબ્દતીર્થ છે. પિતા સંતાનનાં વાણી, વિચાર અને વર્તમાનમાં રહેતો હોય છે. મા તો સંતાનની રક્તવાહિનીમાં વહેતી હોય છે. પુત્ર કે પુત્રી માટે નિરપેક્ષ, નિ:સ્વાર્થ, નિર્ભેળ રીતે મા પોતાના અસ્તિત્વની યજ્ઞવેદીમાં શ્વાસોની આહુતિ આપતી હોય છે. મા સંતાનના જીવનની ક્ષણક્ષણમાં તેના અસ્તિત્વના કણકણમાં વ્યાપેલી હોય છે. જગતની કોઈપણ વ્યક્તિ પોતાની માનાં ગુણગાન ગાઈ શકે, સ્તુતિ કરી શકે. કારણ, સંતાનો સામાન્ય હોઈ શકે માતા, માતા ક્યારેય સામાન્ય ન હોય. મા દૈહિક રીતે મરી શકે, માતૃત્વ મરતું નથી.

પશ્વિમના દેશોના કેટલાક રિવાજો અહીં આપણે અનુસરીએ છીએ તેમાં જુદા જુદા દિવસો ઊજવવાના રિવાજનો પણ સમાવેશ થાય છે, ફ્રેન્ડશીપ ડે ઉજવાય છે, રોઝ ડે ઉજવાય છે. આ બધા દિવસો ઉજવવામાં મતમતાંતર છે.

પરંતુ મધર્સડેની કલ્પના, વિભાવના આપણે સ્પર્શે છે. મે માસના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે. આખી દુનિયામાં આમ તો મધર્સ ડે ઊજવવાની જરૂર ન હોય, કારણ કે મા તો આપણા અસ્તિત્વના કણકણમાં વ્યાપી હોય છે. આપણા જીવનની પ્રત્યેક પળ જેની દીધેલી હોય તેનો વળી દિવસ ઉજવીને ય આપણે શું તેને આપી શકીએ. આમ પણ એક શું સાત કે સિત્તેર જિંદગી પછીએ સંતાન માતાને કંઇ આપી શકે નહીં, છતાં આ માતૃસ્મૃતિનું નિમીત છે.

સંતાન નાનું હોય ત્યારે તેને આવતી એકાદી ઉધરસ માતાના આખી રાતના ઉજાગરાનું કારણ બનતી હોય છે. સ્કૂલે લંચ બોક્સમાં લઇ જવાના નાસ્તા બનાવવામાં અને ઠાકોરજીને ધરવાના થાળની વાનગી બનાવવામાં માને કોઈ ફર્ક લાગતો હોતો નથી.

દીકરીને સ્કૂલે જતી વખતે તૈયાર કરનારી મા એક દિવસે એ જ હાથોથી તેને પાનેતર પહેરાવે છે, દીકરીને તેણે કદાચ કંઇ ન આપ્યું હોય પણ ભરપૂર સંસ્કાર આપ્યા હોય છે કે જેથી મોટા ખોરડા ન વગોવાય અને પુત્રી પણ સાસરે ગયા પછી પતિને કે અન્ય પુત્રી પણ સાસરે ગયા પછી પતિને કે અન્ય લોકોને જયારે વાતો કરે ત્યારે દસમાંથી આઠ વાતો મમ્મીની હોય છે, માતા પુત્રીનું ભૌગોલિક અંતર વધતું હોય છે, માનસિક અંતરમાં એક સેન્ટીમીટરનો ય ફેર નથી પડતો.

દુઃખો વેઠીને, આર્થિક તંગી વેઠીને, સંતાન કોઈ માંગણી કરતા અચકાતું હોય તો પતિની વઢ ખાઈને માંગણી પૂર્ણ કરવામાં પ્રયાસ કરતી હોય છે. જન્મ આપવા જેવડા મહાન ઉપકાર ઉપરાંત માતા સંતાનને ઘણું આપતી હોય છે.

ઉમાશંકર જોશીની બહુ સરસ વાત યાદ આવે છે. તેમણે કહ્યું છે કે માતાનું ઋણ કોણ ચૂકવી શક્યું છે ? ખરું જોતાં એ ઋણ નથી, ઋણ ગણીને એનો રૂપિયા પૈસામાં હિસાબ માંડવામાં આવે અને જગતની માતાઓનાં ઋણ ચૂકવવાનો સ્વયં ભગવાન હવાલો લે તો ભગવાનનું પણ દેવાળું નીકળશે.....’

યસ, ખરેખર આપણે જે ઉંમરના હોઈએ તે ઉમરે ત્યાં સુધી પહોંચતા આપણી માએ આપણા માટે શું કર્યું તેની વાતો યાદ કરીએ તો એમ જ લાગે કે શું કામ, એવા ક્યાં સ્વાર્થ માટે એવી કઈ અપેક્ષાથી આ સ્ત્રીએ પોતાના અસ્તિત્વનો યજ્ઞ કરી તેના પોતાના શ્વાસોની આહુતિ આપીને આપણી ચાકરી-હા, ચાકરી જ વળી, ચાકરી કરી છે? અવતાર પહેલા ૯ માસ અગાઉ તેનો સંબંધ માતા સાથે બંધાઈ જાય છે, એટલે સામાન્યમાં સામાન્ય માણસ પણ માતાનું દૈહિક રીતે વિભાજીત પણ આત્મા-લાગણીની રીતે અવિભાજ્ય અંગ છે, છતાં કેટલાય ઉદાહરણો પણ છે આપણી પાસે કે જે સંતાનો તેની માતાની છત્રછાયામાં વિકાસ પામ્યા, પિતાનો પડછાયો પણ અમુક સમય પછી તેમનાથી દૂર હતો.

વિખ્યાત હાસ્યકાર ચાર્લી ચેપ્લિનના પિતા દારૂડિયા કે પછી દારુ પીવાના શોખીન હતા, કાયમી કંકાસ તેમના ઘરમાં ચાલતો. માતા હોટેલમાં ગાવા જતા, ચાર્લી ચેપ્લિન તેમની સાથે જ રહેતા અને આર્થિક મુશ્કેલીઓ વેઠીને પણ ચાર્લીને તેમણે ઉછેર્યા હતા. એક દિવસ માંદગી વખતે તેમને બદલે ચાર્લી હોટલમાં ગાવા ગયા હતા. માત્ર પુત્ર વચ્ચે દુઃખની ભાગીદારી કરવાની જોરદાર હરીફાઈ હતી.

મશહુર શાયર અને ફિલ્મ ગીતકાર સાહિર લુધિયાનવીએ પણ પિતાની ઐયાશી અને આકરા સ્વભાવને લીધે માતા સાથે ઘર છોડ્યું હતું. વૃદ્ધાવસ્થા સુધી પછી તેઓ તેમની મા સાથે રહ્યા હતા. આવી તો અનેક વિભૂતિઓ મળી આવે જેમનાં સંઘર્ષમાં મા પ્રેરક જ નહીં પરંતુ પરમ ઉદ્દીપક બળ બનીને ઊભી હોય.

એટલે જ માતા શબ્દને બૃહદ અર્થમાં લેવાય છે. જન્મ આપે તો તે માતા છે જ પરંતુ પોતે ત્યાગીને કંઇક આપે અપેક્ષા વગર કોઈ કરે ? વાત્સલ્યનાં ધોધ વહાવે તે માતા છે, તે સ્વભાવ માતૃત્વ છે. એક ભજન સાંભળ્યું હતું, ‘જાગો જાગો મા, જનની’ એવો પ્રશ્ન થયો હતો કે માતાજીને કંઇ જગાડવાના આપણે હોય ? પણ એનો તત્વાર્થ એવો હોઈ શકે કે આપણી અંદર પડેલા માતૃત્વને આપણે જગાડવાનું હોય. માતૃત્વ જાગે તો યુદ્ધો ન થાય. પ્રેમ અઢી અક્ષરનો શબ્દ છે જેમાં આ અઢી અક્ષરનો દરિયો સમાયો છે.

શાસ્ત્રો પુરાણોમાં પણ માતાના માતૃત્વનાં દાખલાઓનો ખજાનો છે. દેવકીએ ત્યજેલા કૃષ્ણને યશોદાએ કેવો લાડથી ઉછેર્યો ! કોઈપણ સ્ત્રીની અંદર એક માતા પડી હોય છે. દેહ સ્વરૂપે તે માતા હોય કે ન હોય, વૈચારિક રીતે માતૃત્વ તેનામાં ધબકતું હોય છે. પારકા સંતાનને પણ તે પોતાનું કરી શકે છે, અને વળી ક્યાંક તેનો માતૃપ્રેમ બળવત્તર બને તો તે પોતાના સંતાનનું ભલું ઈચ્છશે પણ તેના માટે બીજાને નુકાસન પહોંચાડવાની તેની ઈચ્છા તો નહીં જ હોય.

રામાયણ અને મહાભારતને સેંકડો પેઢીઓથી આપણે એક જ દૃષ્ટિથી જોવા ટેવાયેલા છીએ. સ્હેજ એન્ગલ બદલાવીએ તો કૈકેયીએ જે વચન રાજ્યાભિષેક વખતે જે જીદ કરી અને ભરતને રાજગાદી આપવાનું કહ્યું તેમા એક પાસું તો તેના માતૃત્વનું જ હતું ને ? હેન્રી બિયરે તો ત્યાં સુધી કહ્યું, ‘ઈશ્વરને પહેલીવાર માતાનો વિચાર આવ્યો હશે ત્યારે તેના ચહેરા પર સંતોષનું સ્મિત ફરક્યું હશે.’ હજારો યહૂદીઓની કતલ કરનારા હિટલરનાં ઓરડામાં બે ફોટા રહેતાં, એક તેના મૃત્યુ પામેલા સોફરનો અને બીજી માતાનો. તેની માનાં મૃત્યુ પછી ફેમિલી ડોકટરે હિટલર માટે કહ્યું હતું, ‘કોઈ જુવાન માણસને આટલો રડતો મેં ક્યારેય જોયો નથી.’

વિશ્વની કોઈ ભાષાનું સાહિત્ય એવું નહીં હોય કે જેમાં માતા વિશે કંઇ ન લખાયું હોય, યહૂદી કહેવત વારંવાર ઘણી જગ્યાએ વંચાય છે, ‘ઈશ્વર માટે ઘરે ઘરે જવાનું અસંભવ બન્યું માટે તેણે માતાનું સર્જન કર્યું !’ આપણી ભાષામાં પણ મા વિશે સમૃદ્ધ કહી શકાય તેવું સર્જન થયું છે. બોટાદકરની પંક્તિઓ તો હવે જગ પ્રસિદ્ધ બની છે, ‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ....’

બીજી એક પંક્તિ યાદ આવે છે, ‘ભીને પોઢી પાતસુખી કોણ થાતું? મહા હેતવાળી દયાળી જ મા તું.’ ઇન્દુલાલ ગાંધીની કવિતા આંધળી માનો કાગળ માની મમતા અને પુત્રની ઉપેક્ષાના ઉદાહરણરૂપ બન્યું છે. તેનું બીજું પાસું જોઈએ તો મુંબઈ ગામે રહેતાં પુત્ર માટે માનું હૈયું કેટલું વલોવાય છે? કાયા તારી રાખજે રૂડી, ગરીબની એજ છે મૂડી કહેનારી મા લાગણીનો સંદર્ભ છે ત્યાં સુધી જરાય ગરીબ નથી. મનોહર ત્રિવેદીએ બા નામે મોનો ઈમેજ કાવ્યો લખ્યા છે, ‘બા બચપણમાં હું તને ચિંતામાં મૂકતો, લે હવે ચિતામાં મૂકું છું.’

અવિનાશ વ્યાસે માનો મહિમા ગાયો છે. કવિતાઓમાં ગરબાઓમાં જેને જગજનની કહીએ છીએ એ શક્તિના પ્રતીકરૂપ મા માટે તેમણે લખ્યું, ‘માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઊગ્યો ને પછી કહ્યું સારું આકાશ એક હિંડોળાને ખાટ, એમાં ઝૂલે મારી જગદંબા માત...’ સાચે જ આ આખા બ્રહ્માંડમાં આપણી માના આશીર્વાદ વ્યાપેલા હોય તેવું નથી લાગતું ? આખું જગત માનું વિરાટ વિહાર સ્થળ નથી ભાસતું ? માતા વિશે લખાયું તેમાનું ઘણું ખરું તેના મૃત્યુ સમયે કે મૃત્યુ પછી લખાતું હોય છે. કારણ કે જીવતે જીવ કદર થાય તેવું દરેક માતાના નસીબમાં હોતું નથી. માના મૃત્યુ પછી જ તેના અસ્તિત્વની સંતાનને પ્રતીતિ થતી હોય છે. ગુણવંત શાહે મુંબઈમાં મા વિશે આપેલા એક પ્રવચનમાં કહ્યું હતું, ‘મા અને મૃગજળ એક સરખા છે, મૃગજળ હોતા નથી છતાં દેખાય છે અને મા સામે હોય છતાં ઘણીવાર તેને જોવાનું ચૂકી જવાય છે.’

પોતાની માતાના મૃત્યુ પછી બરકત વિરાણીએ કહ્યું હતું કે જેણે અમારા હાલરડા ગાયા તેના અમારે મરશિયાં ગાવાના ? કલાપીની પણ હૃદય રડાવનારી પંક્તિઓ છે, ‘અરરર બાળુડા બાપડા અરે... જનની આ હવસ્વનમાં જતી. બાપડા પણ ન માતની ખોટ ભાંગશે...’ માનું મૃત્યુ માણી કોઈ પણ ઉંમરે અને સંતાનની ગમે તે વયે સંતાને સરેઆમ લૂંટી લેનારી ઘટના હોય છે પણ મા મરે છે, માતૃત્વ નહીં. હરીન્દ્ર દવે કહે છે, ‘મા પ્રત્યેક નારીમાં કોઈ અમૃતક્ષણે જાગી ઊઠે છે. મા કદી મારતી નથી, માનો દેહ ન હોય ત્યારે એનું વ્હાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે.’

થોડાં વર્ષો પહેલા મુંબઈમાં મા વિષય પર પ્રવચનો યોજાયા હતા. જેમાં વક્તા હતાં મોરારિબાપુ, સુરેશ દલાલ અને ગુણવંત શાહ. તે પ્રવચનોમાં માતૃ સ્તુતિ ગવાય તેવી ઘણી વાતો થઇ હતી. દિપક મહેતાએ થોડા સમય પહેલાં એક સંપાદિત પુસ્તક બહાર પાડ્યું હતું. નામ હતું ‘માતૃવંદના’. ગુજરાતી સાહિત્યનાં સિદ્ધહસ્ત લેખકોનાં પોતાની માતા અંગેનાં સંસ્મરણો તેમાં નિરુપાયા છે. હાસ્યલેખક તારક મહેતાએ તો જન્મ પછીનાં દસ જ દિવસમા માને ગુમાવ્યા હતાં પણ તેમના પિતાએ બીજા લગ્ન કર્યા તે પ્રફુલ્લ વદનાબાએ પણ તેમને મમત્વથી ઉછેર્યા હતાં તેવું તેઓ લખે છે. ભગવતીકુમાર શર્મા પોતાની મા વિશે લખેલા લેખમાં પિતાજીનાં ઉગ્ર સ્વભાગથી કાયમ ડરીને રહેતી માતાની વેદના પોતે પણ કેવી અનુભવતા તે રિફ્લેકટ કરી છે. ‘બાનું નામ ચંચળ કેશવલાલ બક્ષી હતું.’ તેવા શીર્ષકવાળા લેખમાં ચંદ્રકાન્ત બક્ષીએ લખ્યું હતું, ‘બા સાથે ઝઘડયો છું, દલીલો કરી છે, વગેરે વગેરે. જ્યારે બાના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે બે કલાક કંઇ ન થઇ શક્યું, મોટાભાઈને પત્ર લખવા બેઠો અને રડી પડાયું. હવે બા નથી....’

મિત્ર અને કટાર લેખક જય વસાવડાએ કેન્સરની બીમારીમાં મૃત્યુ સામે ઝઝૂમતા પોતાના મમ્મી વિશે લેખ લખ્યો હતો. છેલ્લે લખ્યું હતું, ‘આ છપાશે ત્યારે કદાચ..... અને તેના બીજા જ દિવસે તેનાં મમ્મી.. આજેય જય એ વાત માની શકતો નથી. મારાં દાદી બાએ છેલ્લા શ્વાસ લીધા ત્યારે પપ્પા અને મારા કાકા એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રડ્યા હતા. સ્મશાનેથી અમે આવ્યા ત્યારે કાકા ઓટલા પાસે રડતા મોઢું ધોતા એટલું બોલ્યા હતા કે આ જન્મની મા ગઈ. હવે બધું મળશે નહીં.’ ફૂલછાબનાં તંત્રી કૌશિક મહેતાએ પોતાના માતાની સ્મૃતિમાં એક વિશેષ સીડીનું નિર્માણ કરી સ્મરણને ડિજીટલાઈઝ્ડ કર્યા છે.

આવા અસમાન ઉદાહરણો એટલા માટે આપ્યા કે સંતાન અસમાન હોય, તેના સ્ટેટસમાં ફેર હોય, મા કે માતૃત્વ સમાન છે. કોઈપણ મા માટે માનું એક જ સ્ટેટસ મહાન છે, માનું અસ્તિત્વ કે વિદાયનું મહાત્મ્ય એ કોઈપણ માટે સમાન છે પણ મા ખરેખર ન મરે. માણસ પોતે હોય ત્યાં સુધી તેનું સંતાન કમનસીબે ન હોય કે હોય પણ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણી મા આપણા રક્તકણમાં શ્વાસમાં જીવે છે.... સાહિત્ય ઉપરાંત ફિલ્મોમાં પણ આપણે ત્યાં માનું પાત્ર ઘણું મહત્વનું અને સંવેદનશીલ સ્થાન ધરાવે છે. યાદ કરો પેલા ફિલ્મી દિવારના ડાયલોગ, ‘મેરે પાસ બંગલા હૈ, દૌલત હૈ, ગાડી હૈ, તુમ્હારે પાસ ક્યાં હૈ’ અને શશી કપૂર કહે છે, ‘મેરે પાસ મા હૈ !’ કે પછી રાજ કપૂરનો સીન ‘મા ગઈ... જોકર ક તમાશા ખત્મ નહીં હુઆ’ જીવનમાં અન્ય માટે તમાશો ચાલુ રાખવો પડતો હોય છે. મા પણ ઘણું બધું ગુમાવીને સંતાન માટે જીવતી હોય છે.

જગતના અનેક મહાન લોકોની પોતાની મા વિશેની વાતો વાંચીને, સાંભળીને મારા જેવા અતિ સામાન્ય માણસને પણ મમ્મી વિશે લખવાનું ઘણું મન થાય. મારું સમગ્ર બાળપણ સાંભરે. જમતી વખતે મમ્મી સામે થાળી પછાડી છે, સ્વાદિષ્ટ હોવા છતાં તેણે બનાવેલી રસોઈની ટીકા કરી હોય, બાથોડા લીધા છે મેં મારી મા સાથે છતાં કોઈ ફરિયાદ કે અસાધારણ ગુસ્સા વગર હેત હેગ ને હેત એણે વરસાવ્યું છે. એક ફકરો, એક લેખ શું ગ્રંથો લખાય તોય એ ઋણ ન ઊતરે અને મને અત્યારે એવું કંઇ સૂઝતું પણ નથી. મારી મમ્મી વિશે હું એટલું જ લખી શકું કે મારી મા આ જગતની મહાનતમ ઘટના છે. એને વર્ણવવાના કોઈ શબ્દો મારી પાસે નથી. લેખના છેલ્લા ફકરાની છેલ્લી લીટી કોઈ કોપીરાઈટ એકટ હેઠળ આવી શકે તેમ નથી. જગતની કોઈપણ વ્યક્તિ એ વાક્ય બોલી શકે છે.


0 comments


Leave comment