1 - પ્રણમું પ્રેમે પરિબ્રહ્મ પુરુષોત્તમને / નરસિંહ મહેતા


રાગ રામગ્રી

પ્રણમું પ્રેમે પરિબ્રહ્મ પુરુષોત્તમને, દાસની વીનતી રુદે ધરજો,
આજ સમો, પ્રભુ ! આકરો આવિયો, નિજ ચરણ-શરણ-સંભાળ કરજો. ૧

વિવિધ લીલા મુનિજંન-મન-મોહિની, મહિમા અપાર તુજ કો ન જાણે,
રવિ-શશી-ઇન્દ્ર ને ઇસ-અજ અનુસરે, નિગમ, નારદ ને શરદ વખાણે. ૨

સંત સર્વજ્ઞ કહે : ધન્ય તું, શામળા ! તાહરે સંત છે પ્રાણ-તાલે,
જળચરાં જળ વિના કેમ કરી જીવશે ? પરસ્પર પ્રીત તો વેદ બોલે. ૩

અંબરીષ ભક્તની ભક્તિ જાણી-કરી, ચક્ર મેલ્યું ઋષિને ક્રોધ આણી,
શાપ તે આપ લીધો શિરે સંતનો, પ્રીતની રીત શ્રીમુખ વખાણી. ૪

માટે મારે મંન આનંદ અતિ, માધવ ! ચરણપ્રતાપે પદ-અભય પામ્યો,
સિંહને સંગ જંબૂક કેમ સોહશે ? નરસૈંયો ભવોભવ દુઃખ વામ્યો. ૫


0 comments


Leave comment