37 - આપને હાર, કપટી તું કાનુડા / નરસિંહ મહેતા


આપને હાર, કપટી તું કાનુડા ! આ ગોકુળમાં કપટ ઘણાં રે કીધા,
વ્રજ-વનિતા-શું પ્રીત જોડી-કરી, તેં રે આહીરડાંનાં દાણ લીધાં. ૧

કપટ કરીને દહીં-દૂધ તેં ચોરિયા : સુર-અસુર-મુનિ સરવ જોતાં,
કપટ કરીને રંગે રાસ રમાડિયાં, પછે મૂક્યાં બાપડાં વંન રોતાં. ૨

પહેલે પ્રીત કરી તિહાં કપટી ન જાણિયો, હવે શું કહું તુંને અવર વાણી ?
ભણે નરસૈંયો : કર જોડીને વીનવું : રાખને લાજ, સારંગપાણિ ! ૩


0 comments


Leave comment